Gujarat

ભારત રક્ષા મંચ દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે થરાદ ખાતે કાર્યક્રમ યોજાયો

જ્યારે ભાગલાની બલિ ચડી ગયાં હતાં લાખો જીવન, માનવ ઇતિહાસના સૌથી મોટા વિસ્થાપનની પીડા આજે પણ નથી ભૂલી શક્યો દેશ ઃ ઇલેવાન ઠાકર
થરાદ, તા.૧૪ (પ્રતિનિધિ દ્વારા)
૧૪ ઓગસ્ટ ૧૯૪૭નો દિવસ એ દિવસ હતો જ્યારે એક તરફ દેશ સ્વતંત્રતા મેળવવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં બીજી તરફ દેશમાં ભાગલાના કારણે અરાજકતાનો માહોલ હતો અને લાખો લોકોએ તેનો ભોગ બનવું પડ્યું હતું.
દેશ સ્વતંત્રતાનાં ૭૬ વર્ષ પૂર્ણ કરી રહ્યો છે. આવતીકાલે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે. તે પહેલાં આજના દિવસને (૧૪ ઓગસ્ટ) ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે ભારત રક્ષા મંચ ગુજરાત પ્રાંત દ્વારા થરાદ થાતે મનાવવામાં આવ્યો.
ભારતના ભાગલા પડ્યા અને બે નવા દેશો અસ્તિત્વમાં આવ્યા ત્યારે ભારતીઓએ કરેલા સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે આ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે તેને યાદ કરવા થરાદ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના થરાદ ના સંઘચાલક કાશીરામભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, ૨૦૨૧માં વડાપ્રધાન મોદીએ આ દિવસ મનાવવાની ઘોષણા કરી હતી. તેમણે ત્યારે કહ્યું હતું કે, “દેશના વિભાજનની પીડા ક્યારેય ભૂલાવી શકાય તેમ નથી. નફરત અને હિંસાના કારણે આપણા લાખો નાગરિકોએ વિસ્થાપિત થવું પડ્યું હતું અને કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા હતા.” માટે વડાપ્રધાને આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, “આ દિવસ ભેદભાવ, વૈમનસ્ય અને દુર્ભાવનાના ઝેરને ખતમ કરવા માટે પ્રેરિત કરશે અને તેનાથી એકતા, સામાજિક સદ્ભાવ અને માનવીય સંવેદના પણ મજબૂત થશે.”
આ કાર્યક્રમમાં ગાંધીનગર થી પધારેલ ભારત રક્ષા મંચ ના પ્રાંત પ્રમુખ ઇલેવાન ઠાકરે આ દિવસ ને યાદ કરતા જણાવેલ હતું કે, દેશના ભાગલા પડ્યા તેની સાથે જ ઇતિહાસનું સૌથી મોટું સ્થળાંતરણ જોવા મળ્યું હતું અને રાતોરાત લોકોએ પોતાના ઘરબાર છોડીને ભાગવું પડ્યું હતું. સૌથી વધુ અસર પંજાબ અને બંગાળમાં જોવા મળી હતી કારણ કે આ બંને રાજ્યોની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. આ આખા પ્રકરણમાં દોઢ કરોડ લોકોએ ઘર-સંપત્તિ છોડીને ભાગવું પડ્યું હતું. બાળકો, વૃદ્ધો, મહિલાઓ તમામ હિંસાની ચપેટમાં આવ્યા હતા અને લાખો લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા.
તેઓએ વધુમાં જણાવેલ હતું કે, ૧૫ ઓગસ્ટનો દિવસ આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ. કોઈ પણ રાષ્ટ્ર માટે તેની સ્વતંત્રતાનો દિવસ અનેરું મહત્વ ધરાવે છે અને આનંદનો અવસર હોય છે. પરંતુ સ્વતંત્રતા સાથે-સાથે દેશે વિભાજનનો એ આઘાત પણ સહન કરવો પડ્યો અને શરૂઆત તેની હિંસક પીડાઓ સાથે થઇ, જેણે લાખો ભારતીયો પર પીડાનાં નિશાન છોડી દીધાં. સ્વતંત્રતાનો આનંદ તો છે જ, પરંતુ સાથેસાથે વિભાજનની પીડા અને હિંસા પણ દેશ માટે એક ખરાબ સ્મૃતિ બનીને રહી ગયાં છે. આમ તો દેશ ભૂતકાળને પાછળ છોડીને બહુ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે અને આવનારાં અમુક વર્ષોમાં વિશ્વના નકશા પર મોખરાનું સ્થાન ધરાવશે, પરંતુ વિભાજનની આ પીડા ક્યારેય ભૂલી ન શકાય તે માટે આ દિવસને આપડે કયારેય ભૂલવો ન જોઈએ.
આ પ્રસંગે કર્ણાવતી જિલ્લા શહેર ના પ્રમુખ ચિત્રબેન સોલંકીએ ઉપસ્થિત લોકો સમક્ષ વિભાજન વખતે થયેલ બનાવો ની પ્રસ્તુતિ કરેલ અને જણાવેલ હતું કે, આઝાદી બાદથી આપણને એમ કહેવાયું છે કે વિભાજન સમયની વિભીષિકાને ભૂલી જાવ. એવું માત્ર કહેવાયું જ નથી, ઇતિહાસ પણ એ જ માનસિકતા અનુસાર લખ્યો અને લખાવ્યો જે આપડી કમનસીબી છે. કહેવાય છે કે ૧૬ ઓગસ્ટ ૧૯૪૬ના રોજ ઝીણાના ડાયરેક્ટ એક્શનના એલાન બાદ થયેલ રમખાણોમાં કેટલા માર્યા ગયા, ઉજાડી દેવાયા, કેટલી મહિલાઓ સાથે દુષ્કર્મ થયું- આ બધું જ ભૂલી જાવ! મતલબ એ છે કે આંખો મીંચી લો એટલે કશું જ થયું નથી. એક નાનકડી ઘટનાની જવાદારી નક્કી કરવા માટે મોટાં-મોટાં આંદોલન થઈ જાય છે. પછી ઇતિહાસની આટલી મોટી વિભીષિકાની જવાબદારી કોની હતી, એ તો લોકોને ખબર પડવી જ જોઇએ.
આ પ્રસંગે ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ ડી.જી. ગોહિલ અને હીનાબેન પટેલ ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ સમગ્ર કાર્યક્રમ કર્યક્રમના સંયોજક ભારત રક્ષા મંચ ના ઉત્તર ગુજરાત ના પ્રભારી અને પ્રાંત મંત્રી જગદીશસિંહ રાજપૂત અને થરાદના રામજી મંદિર સેવા સમિતિ આ આગેવાનો દ્વારા કરવામાં આવેલ. આ અવસરે સંઘ ની ભગીની સંસ્થા ભારત વિકાસ પરિષદ ના થરાદ ના પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ, બજરંગ દળ ના પ્રમુખ અને લાયન્સ કલબ ના પ્રમુખ ઉપસ્થિત રહેલ હતા.

IMG-20230814-WA0221.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *