જૂનાગઢ એસબીઆઈની ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા યુવાનો પોતાનો ધંધો વ્યવસાય શરૂ કરી અને પગભર બની શકે તે માટે ૧૮ થી ૪૫ વર્ષના યુવાનો માટે ૩૦ દિવસની ટુ-વ્હીલર મિકેનિકલ અને ઘરેણું વિદ્યુત ઉપકરણના તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ તા.૧૯/૯/૨૦૨૩થી શરૂ કરવામાં આવશે. જેમાં સંસ્થામાં રોકાવું ફરજિયાત છે. તાલીમમાં રહેવાનું, જમવાનું અને તાલીમ વિનામૂલ્ય આપવામાં આવશે અને ભારત સરકાર માન્ય એનએસયુએફ સર્ટીફીકેટ અને સબસીડીવાળી લોનના લાભ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે.
આ તાલીમ જૂનાગઢ બીલખા રોડ પર આવેલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની બાજુમાં એસબીઆઈ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થામાં લેવામાં આવશે. તાલીમમાં જોડાવા માંગતા યુવાનોએ પાસપોર્ટ સાઇઝના ૩ ફોટા, આધાર કાર્ડ, રેશનકાર્ડ, માર્કશીટ/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેંક પાસબુકની નકલ સહિતના ડોક્યુમેન્ટની ઝેરોક્ષ ફરજિયાત લાવવાની તથા ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે. આ તાલીમમાં ભાગ લેવા માટે સોમ થી શનિ સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધીમાં ૯૯૦૪૬૪૬૪૬૬ નંબર પર સંપર્ક કરવા જણાવ્યું છે.
