૨૫ આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શહીદોનું સન્માન કરવા તેમજ તેમને યાદ કરવા માટે ‘મેરી મિટ્ટી મેરા દેશ‘ અભિયાનની સમગ્ર દેશમાં શરૂઆત તા. ૯ ઓગસ્ટના રોજ કરવામાં આવી છે. જે અંતર્ગત દેશભરમાં અને ગુજરાત સહિત સમગ્ર જૂનાગઢ જિલ્લામાં “મારી માટી મારો દેશ” અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લામાં તા. ૯ થી ૨૦ ઓગષ્ટ સુધી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં મારી માટી મારો દેશ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ૭૧ હજારથી વધુ લોકોએ જોડાઈને પોતાની દેશભક્તિની ભાવના ઉજાગર કરી અભિયાનને સફળ બનાવ્યું છે.
જૂનાગઢ જિલ્લામાં તા. ૯ થી ૨૦ ઓગષ્ટ દરમિયાન યોજાયેલ મારી માટી મારો દેશ કાર્યક્રમ જિલ્લામાં ૪૯૩ ગ્રામ પંચાયતો, ૯ તાલુકા પંચાયતો, ૧ મહાનગરપાલિકા અને ૭ નગરપાલિકાઓ સ્તરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ૫૨૫ શિલાફલકમનું સાંસદશ્રી, ધારાસભ્યશ્રી અને મહાનુભાવોના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે. જિલ્લામાંથી ૩૩,૬૬૦ જેટલી સેલ્ફી અપલોડ કરી દેશપ્રેમની ભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જ્યારે ૭૧,૮૮૭ જેટલાં નાગરિકોએ આ અભિયાન હેઠળ વડાપ્રધાનશ્રી દ્વારા આપવામાં આવેલ પંચ પ્રાણ પ્રતિજ્ઞાના શપથ લીધા છે. “મારી માટી મારો દેશ” કાર્યક્રમ અન્વયે ૬૧૮ અમૃત વાટિકા અને ૪૨,૪૮૨ રોપા ઉછેર કરી પર્યાવરણ સંરક્ષણનું સુંદર કામ કરવામાં આવ્યું છે. તો જિલ્લાના શહીદવીરોના પરિવારજનોનું સન્માન કરી તેમને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા છે. “મારી માટી મારો દેશ” કાર્યક્રમ અંતર્ગત દેશની સુખ, શાંતિ અને સમૃદ્ધિના પ્રતિક સમો તિરંગો ધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું. જેમાં ૭૨,૧૫૪ જેટલા નાગરિકોએ ભાગ લઈ રાષ્ટ્રગાન કર્યું હતું.
આમ, સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ‘મારી માટી મારો દેશ‘ કાર્યક્રમ જનભાગીદારી થકી દેશભક્તિના માહોલમાં સફળતાપૂર્વક મનાવવામાં આવ્યો હતો.
