રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮ ની કલમ ૩૨-ક ના અસરકારક
અમલ માટે રાજયની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી એટલે કે એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ-૨૦૧૧
ના ભાવોમાં ગત તા.૧૫ એપ્રિલથી વધારો અમલમાં આવ્યો છે. જેથી, ગત તા.૧૫ એપ્રિલ કે તે પછી
નોંધણી અર્થે રજુ થતા દસ્તાવેજો માટે અત્રે જણાવેલી બાબતોનું અરજદારોએ ખાસ રીતે પાલન કરવાનું
રહેશે.
(૧) ગત તા.૧૫/૦૪/૨૦૨૩ કે તે પછી નોંધણી માટે રજૂ થતા દસ્તાવેજ તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલાં
કરી આપેલ હોય અને ગત તા.૧૪/૦૪/૨૦૨૩ સુધીમાં પક્ષકારોની સહી થઈ નોંધણી માટે તૈયાર હોવું
જોઈએ. તેમજ જરૂરી હોય તે રકમનો પુરેપુરો સ્ટેમ્પ લગાડેલો હોવો જોઇએ. તો આ દસ્તાવેજ સહી
કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજુ થશે તો તે દસ્તાવેજમાં તા.૧૫/૦૪/૨૦૨૩થી
વધારેલ જંત્રી ભાવ લાગુ પડશે નહીં. તે પહેલાના ભાવ વધારા સિવાયના જુની જંત્રીના ભાવ મુજબ
દસ્તાવેજમાં મિલકતની બજાર કિંમત તથા સ્ટેમ્પ ડ્યુટી ગણવામાં આવશે.
(૨) ગત તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલા સહી થયેલા હોય અને તા.૧૫/૦૪/૨૦૨૩થી ચાર માસ એટલે કે
આગામી તા.૧૪ ઓગસ્ટ સુધીમાં દસ્તાવેજની નોંધણી કરાવવામાં આવશે, તો તેમને જુની જંત્રીનો લાભ
આપવામાં આવશે. ઉક્ત ચાર માસની સમય મર્યાદા પૂર્ણ થવામાં થોડાક જ દિવસ બાકી હોવાથી, જેના
દસ્તાવેજમાં ગત તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલાં મત્તુ થયેલ હોય અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલ હોય, તો તે
લેખ નોંધણી અધિનિયમ મુજબ ચાર માસની સમયમર્યાદામાં આગામી તા.૧૪/૦૮/૨૦૨૩ સુધીમાં
નોંધણી કરાવી લેવાનું રહેશે.
(૩) જે પક્ષકારોને કોઈપણ કારણોસર દસ્તાવેજ નોંધણી કરાવવાની ન હોઈ અથવા સ્ટેમ્પનો ઉપયોગ
કરવાનો ન હોય તો, તે સ્ટેમ્પ ખરીદ કર્યાની તારીખથી છ માસની સમય મર્યાદામાં રીફંડ માટે સક્ષમ
અધિકારીશ્રીને અરજી કરવાની રહેશે. જેની જામનગરની જાહેર જનતાને ખાસ નોંધ લેવા માટે નાયબ
કલેકટરશ્રી, સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્ર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
