આણંદ જિલ્લાની વાસદ કુમાર શાળા માં હાલ ઠંડીના પ્રકોપથી થરથરતા બાળકો માટે અમેરિકા સ્થિત દાતા મદદે આવ્યા. જેમણે શાળાના 280 બાળકો માટે સ્વેટરની ભેટ આપીને એક ઉમદા સેવાનો નમુનો પૂરો પાડ્યો છે. વાસદ કુમાર શાળા માં એસ.સી, ઓબીસી, માઈનોરીટી જેવા તમામ વર્ગના બાળકો અભ્યાસ કરે છે. છેલ્લા થોડા દિવસ થી ઠંડીનો પારો ગગડતા ગરીબ વર્ગના બાળકો સ્વેટર પહેર્યા વિના આવતા હતાં. જેને લક્ષમાં રાખીને શાળાના શિક્ષિકા મારિયા પરમારે પોતાના મિત્રોને આ સંદર્ભે માહિતગાર કર્યા હતા.
જેને લક્ષમાં લઈને દોઢ લાખ રુપિયા કરતાં વધારે રકમનાં સારી ગુણવત્તા વાળા સ્વેટરોનું દાન મૂળે ગુજરાતી પરંતુ હાલ અમેરિકા વસતા એક દાતાએ આ બાળકો માટે સ્વેટરો મોકલી આપવાની બાંહેધરી આપી હતી. આ કાર્યને જાગૃતિબેન ઠક્કરે સાથ આપતા તારીખ 18/12/2023 ના રોજ શાળાના તમામ બાળકો માટે સ્વેટરો આવી પહોંચ્યા હતા. આ સેવાને કારણે વંચિત વર્ગના ઠંડીમાં ધ્રુજતા બાળકો પણ હવે શાળામાં નિયમિત આવશે તેવો આશાવાદ આચાર્ય શ્રી જેમ્સ પરમારે વ્યકત કર્યો હતો. ઋતુને અનુરૂપ આલીશાન ભેટ નિહાળી ને બાળકો તેમજ શિક્ષકગણ ખુશ થયા હતા અને મનોમન દાતાશ્રી પ્રત્યે ના આભાર ભાવમાં તલ્લીન થયા હતા.

