Gujarat

​જામનગર જિલ્લા હોમગાર્ડઝના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે આદર્શ આચારસંહિતાના પાલન અંગે માર્ગદર્શન અપાયું

વિશેષ પરેડનું આયોજન કરી હોમગાર્ડ સભ્યોને રાષ્ટ્રહિતમાં મતદાન કરવા તથા નિષ્ઠાપૂર્વક ચૂંટણી ફરજ બજાવવા પ્રેરિત કરાયા

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 ના સુચારુ સંચાલન અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લા હોમગાર્ડઝ દ્વારા વિશેષ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડ દરમિયાન હોમગાર્ડઝના જવાનોને ચૂંટણીલક્ષી વિવિધ જવાબદારીઓ અને શિસ્ત અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

જેમાં ચૂંટણી દરમિયાન હોમગાર્ડઝ સભ્યોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને આદર્શ આચારસંહિતાનું પાલન કેવી રીતે કરવું તે અંગે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. જવાનોને જણાવવામાં આવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તટસ્થતા અને સતર્કતા જાળવવી એ પ્રાથમિકતા છે. ચૂંટણીમાં સુરક્ષાની જવાબદારી સંભાળવાની સાથે સાથે, દરેક સભ્ય રાષ્ટ્રના જવાબદાર નાગરિક તરીકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો અને રાષ્ટ્રહિત માટે મતદાનના સંકલ્પ સાથે તમામ સભ્યોને અચૂક મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જામનગર જિલ્લા કમાન્ડન્ટ શ્રી ગીરીશ સરવૈયાએ જવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, ચૂંટણી ફરજ એ માત્ર સરકારી કામ નથી પરંતુ રાષ્ટ્ર સેવાની એક અમૂલ્ય તક છે. તેમણે તમામ જવાનોને પૂરી નિષ્ઠા અને ખંત સાથે ફરજ બજાવવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લાના સ્ટાફ ઓફિસરશ્રીઓ, તમામ યુનિટના ઓફિસર કમાન્ડિંગ તથા ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગશ્રીઓ અને મોટી સંખ્યામાં હોમગાર્ડઝના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.