જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં કેન્દ્ર નંબર 39 જાલીયા દેવાણી પ્રાથમિક શાળા અને કેન્દ્ર નંબર
40 માનસર તાલુકા શાળા- આ પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક, રસોયા અને હેલ્પરની વિવિધ
જગ્યાઓ ભરવાની છે. જેમાં, ફરજ બજાવવા અંગે ઇચ્છુક ઉમેદવારોએ અત્રેની ધ્રોલ મામલતદાર અને એકઝીકયુટીવ
મેજિસ્ટ્રેટશ્રીની કચેરી ખાતેથી રજાના દિવસો સિવાય રૂબરૂ આવીને કચેરી સમય દરમિયાન નમૂના ફોર્મ મેળવી લેવાનું રહેશે.
આગામી તા.02 સપ્ટેમ્બર સુધીમાં આ અરજી પત્રક અત્રેની કચેરીને પહોંચાડી દેવાનું રહેશે. સુનિશ્ચિત સમય મર્યાદા, અધૂરી
વિગતો, અધૂરા પ્રમાણપત્રો અને વીતી ગયેલી તારીખ બાદ મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જે ઉમેદવારો ફરજ
બજાવવા ઇચ્છતા હોય અને જો તેમણે અરજી કરેલી હોય, તો તેઓને ઇન્ટરવ્યુ માટે અગાઉથી જાણ કરવામાં આવશે. જયારે
તેઓને ઉપસ્થિત રહેવાની જાણ કરવામાં આવે, ત્યારે તેમણે સ્વ-ખર્ચે ઉપસ્થિત રહેવું.
અરજી પત્રકમાં ઉમેદવારોએ તેમનું આખું નામ, સરનામું અને મોબાઈલ નંબર સાથેની સંપૂર્ણ વિગતો ભરીને અરજી પત્રક સાથે
અને ઈન્ટરવ્યુમાં જરૂરી આધાર-પુરાવાઓ જેવા કે શાળા છોડ્યાનું સર્ટિફિકેટ, શારીરિક તંદુરસ્તીનું તબીબી પ્રમાણપત્ર, શૈક્ષણિક
લાયકાતના સર્ટિફિકેટ, રેશનકાર્ડ, આધારકાર્ડ, બેન્ક પાસબુક નકલ, બેન્ક ખાતા નંબર તથા અન્ય જરૂરી સર્ટિફિકેટની પ્રમાણિત
નકલો સાથે રજૂ કરવાની રહેશે.
નિમણુંક માટે અગ્રતાક્રમના નિયમો
આ યોજનામાં સંચાલક કમ રસોયા તરીકે નિમણુંક પામનારી વ્યક્તિની લઘુતમ વય મર્યાદા 20 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 60
વર્ષ સુધીની રાખવામાં આવી છે. ઉમેદવાર ધોરણ 10 પાસ હોવા જોઈએ. તેમજ તે જ ગામના વ્યક્તિ હોવા જોઈએ. ભરતી
અન્વયે કોઈપણ પ્રશ્નો ઉપસ્થિત થાય તો તે માટે શિક્ષણ વિભાગ, ગાંધીનગર અને સરકારશ્રીના વખતો-વખતના ઠરાવો અને
પરિપત્રોને ધ્યાનમાં લેવામાં આવશે.
તેમજ, જે ગામમાં ધોરણ 10 પાસ ઉમેદવાર ન હોય તો ત્યાં ધોરણ 7 પાસ સુધીની છૂટછાટ આપવામાં આવશે. ગામડાની
વિધવા, ત્યક્તા, નિરાધાર સ્ત્રીઓ, આર્થિક રીતે નબળી વ્યક્તિઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો, આ પૂર્વે
પી.એમ. પોષણ યોજના કેન્દ્રમાં જેમને ફરજ બજાવી હોય, તેમની સામે ગંભીર પ્રકારની ગેરરીતિના આક્ષેપ થયા ન હોય અને
ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકોને નિમણૂકમાં અગ્રતાક્રમ આપવામાં આવશે.
અત્રે કોણ અરજી નહિ કરી શકે?
જે વ્યક્તિઓ વકીલાત જેવા વ્યવસાય કરતા હોય, શાકભાજી, મરી મસાલા કે જલાઉ લાકડાનો વેપાર કરતા હોય, અન્ય
કોઈપણ જગ્યાએ નોકરી કરતા હોય, માનદ વેતન મેળવતા હોય, અનાજ દળવાની ઘંટી ચલાવતા હોય, રાજ્ય સરકાર કે કેન્દ્ર
સરકારના જાહેર સાહસ હેઠળની નોકરીમાંથી ફરજીયાત રીતે નિવૃત થયેલા, રુખસદ આપેલી હોય કે બરતરફ કરેલી હોય તેવા,
સસ્તા અનાજની દુકાન ધરાવતા હોય, કોઈપણ ગુનાહિત કાર્ય કરેલ હોય, તેની સાથે સંકળાયેલા હોય, અક્ષમ્ય હોય તેવી કસૂર
કરી હોય, પોલીસ ફરિયાદ થઈ હોય, કોર્ટમાં કેસ દાખલ થયેલ હોય તેમજ તપાસની સમયે ગેરરીતિ સબબ કસૂરવાર ઠરેલ હોય
તેવા વ્યક્તિઓ અત્રેની કચેરીને અરજી મોકલી શકશે નહિ. આ તમામ બાબતોની ઇચ્છુક ઉમેદવારોને ખાસ નોંધ લેવા માટે
મામલતદારશ્રી, ધ્રોલની યાદીમાં અનુરોધ કરવામાંં આવ્યો છે.
