Gujarat

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા  પ્રવેશોત્સવના કારણે રાજયમાં શૈક્ષણિક ક્રાંતિ આવી છે  શિક્ષણમંત્રી: ડૉ. કુબેરભાઇ ડિંડોર 

કવાંટ તાલુકાના રાયસા, સિંહાદા અને પાનવડ ખાતે

 શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઇ ડિંડોરે કરાવ્યો બાળકોને શાળા પ્રવેશ
 દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજથી વીસ વર્ષ પહેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કારણે રાજયમાં શૈક્ષણિક ક્રાંતિ આવી છે એમ રાજયના આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતું.
 કવાંટ તાલુકાના રાયસા, સિંહાદા અને પાનવડ ખાતે યોજાયેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, બાળકોનું શાળામાં સો ટકા નામાંકન થાય એ માટે સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરી બાળકોને દફતર, પાટી, પેન સહિતની શૈક્ષિક સામગ્રી આપી બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવે છે. શાળામાં બાળકને દાખલ કરવાની માતા-પિતાની ફરજ સરકાર નિભાવી રહી છે એમ વધુમાં ઉમેર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમાજના વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત હોઇ તમામ વાલીઓ, આગેવાનો અને શિક્ષકો આવનારી પેઢી શિક્ષણના સંસ્કારથી સમૃદ્ધ થાય એની તકેદારી રાખવી પડશે એમ જણાવી તેમણે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ થકી રાજયના ડ્રોપ આઉટ રેટમાં ધરખમ ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું.
 વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, બાળકોમાં છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવાનું નામ શિક્ષકો દ્વારા કરવામાં આવે છે તેથી શિક્ષકો વધુ નિષ્ઠાથી બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે શિક્ષણેત્તર પ્રવૃતિઓ તરફ બાળકોને દોરે એ પણ એટલું જ જરૂરી છે એમ જણાવ્યું હતું.
 ઉપરાંત તેમણે બાળકોને સરકાર દ્વારા વિવિધ સ્કોલોરશીપ યોજના હેઠળ શિષ્યવૃતિ, મફત પાઠયપુસ્તકો, ગણવેશ સહાય જેવી સુવિધાઓ આપવામાં આવે છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો સૌથી વધુ લાભ આદિવાસી સમાજને થયો છે એમ તેમણે જણાવ્યું હતું.
છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ પણ પ્રાસંગિક પ્રવચન કરતા રાજય સરકારની એનકવિધ શિક્ષણલક્ષી યોજનાઓ અંગે વિગતે જાણકારી આપી હતી. આ ઉપરાંત તેમણે વ્યક્તિ, સમાજ, રાજય અને દેશના વિકાસમાં શિક્ષણનું કેટલું મહત્વ છે એ અંગે પણ વિગતે છણાવટ કરી હતી.
જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, ગુણોત્સવમાં જે શાળાઓ “બી” અને “સી” ગ્રેડમાં આવી છે, એ શાળાઓ “એ” ગ્રેડમાં આવે એ માટે દત્તક લેવામાં આવી છે એમ કહી તેમણે કન્યા કેળવણી મહોત્સવ ઉજવણી કરી કન્યા કેળવણીને પ્રોત્સાહન આપી સરકારે દિકરીઓને સન્માન આપવાનું કામ કર્યું છે એમ ઉમેરી તેમણે શાળામાં દાખલ થતા બાળકો અધવચ્ચેથી શાળા છોડી ન જાય એનું ધ્યાન રાખવાનું કામ સૌનું છે એમ ઉમેર્યું હતું. આ ઉપરાંત તેમણે સરકાર દ્વારા પ્રજાની સુખાકારી માટે કરવામાં આવી રહેલી કામગીરીની પણ વિગતે જાણકારી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીઓએ પ્રાર્થના, સ્વાગતગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન પણ શાળાની વિદ્યાર્થીનીઓએ જ કર્યું હતું.
કાર્યક્રમમાં ઘારાસભ્ય જ્યંતિભાઈ રાઠવા,પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઇ રાઠવા, તાલુકા પંચાયત સભ્ય સાગરભાઇ, સરપંચો, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઇ રાઠવા, પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ મુકેશભાઇ રાઠવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઇમરાન સોની, બી.આર.સી, સી.આર.સી, શાળાના આચાર્યો, શિક્ષકગણ, આગેવાનો, ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

13-06-2023_-shala-pravesotsav-7.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *