છોટાઉદેપુરમાં ગઈકાલે એક ઇન્ડિકા કારે રાહદારીને પાછળથી આવીને હવામાં ફંગોળવાની ઘટના સામે આવી હતી. જેમાં છોટાઉદેપુર પોલીસે આરોપી કાર ડ્રાઈવર યુવકની ધરપકડ કરી છે અને ડ્રાઈવર યુવક પાસે લાયસન્સ ન હોવાનું પણ બહાર આવ્યું છે.છોટાઉદેપુરમાં ગઈકાલે બપોરના સમયે રંગપુર નાકા પાસે સખી વન સ્ટોપ પાસે ચાલતા જઈ રહેલા રાહદારી યુવક હર્ષદ ગોકુલભાઈ મારવાડીને પાછળથી આવી રહેલી ઇન્ડિકા કારના ચાલકે ટક્કર મારી હતી. કારચાલક રોહિત રાજપાલ નાયરે અડફેટે લઇને રાહદારીને હવામાં ફંગોળવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં રાહદારી યુવકને હાથ, પગ તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને કારચાલક યુવક જ છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો. માથામાં ગંભીર ઇજા પહોંચતા તેને વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સખી વન સ્ટોપ સેન્ટરના સીસીટીવીમાં કેદ થયો હતો.ઘટનાનો વીડિયો વાઇરલ થતા જ છોટાઉદેપુર પોલીસ હરકતમાં આવી હતી અને અકસ્માત સર્જનાર 21 વર્ષીય કારચાલક યુવક રોહિત નાયરની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ દરમિયાન તેની પાસે લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


