રાજ્યના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના તાલુકા એવા માંગરોળ અને માળિયા હાટીના તાલુકામાં બિપરજોય વાવાઝોડાનો સામનો કરવા અને રાહત-બચાવની તંત્રની પૂર્વ તૈયારીઓનો તાગ મેળવવા અને સ્થાનિક જનપ્રતિનિધિઓ આગેવાનો સાથે જરૂરી ચર્ચા વિચારણા કરી, લોકોની મુશ્કેલીઓ નિવારવા માટે વહેલી સવારથી દિવસભર પ્રવાસ ખેડી જરૂરી માર્ગદર્શન અને દિશાનિર્દેશો આપ્યા હતા.
માંગરોળ બંદર ઉપરાંત ખંભાળિયા, જુજારપુર અને લોએજ સાઇક્લોન સેલ્ટર હોમની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ લોકોને અગવડતા ન પડે તે માટે રેહવા-જમવા અને જરૂરી પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે પણ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. ઉપરાંત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે જરૂરી નિર્દેશ આપ્યા હતા.
આ પ્રવાસ દરમિયાન તેમણે સ્થળાંતરની સ્થિતિમાં આશ્રય આપી શકાય તેવી શેરિયાજ અને ખંભાળિયાની પ્રાથમિક શાળાની પણ મુલાકાત કરી હતી.
મંત્રીશ્રીના આ પ્રવાસ દરમિયાન સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપસિંહ સિસોદિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, પ્રાંત અધિકારી શ્રી નિશાબા ચુડાસમા સહિત જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે રહ્યા હતા.


