બિપરજોય વાવાઝોડાની સંભવિત સ્થિતિ સંદર્ભે જુનાગઢ જિલ્લાની દેખરેખ માટે રાજ્ય સરકારે જેમને જવાબદારી સોંપી છે તેવા રાજ્યના સહકાર મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા ખાસ કરીને દરિયાકાંઠાના માંગરોળ અને માળિયા હાટીના તાલુકાના ગામોનો પ્રવાસ કરી, સ્થળ ઉપર લોકોના પ્રશ્નો જાણી તેના નિવારણ માટે સતત જરુરી નિર્દેશો આપી રહ્યા છે.
મંત્રીશ્રીએ આજે શીલ, આતરોલી અને રહીજ સાયક્લોન સેન્ટર હોમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે આશ્રય સ્થાનમાં રહેલા લોકો સાથે સંવાદ સાધી, તેમના ખબર અંતર મેળવ્યા હતા. આ સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં ઘર પરિવાર સાથે સુરક્ષિત જગ્યાએ જ રહેવા માટે પણ અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ આશ્રય સ્થાનમાં રહેલા લોકોને ભોજન મળી રહે અન્ય જરુરી પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે પણ જણાવ્યુ હતુ.
મંત્રીશ્રીએ આતરોલી સાયક્લોન સેલ્ટર હોમ ખાતે સ્થળાંતરિત લોકોને પ્રતિકાત્મક રીતે ફૂડ પેકેટનું વિતરણ કર્યુ હતુ.
રાજ્ય સરકારે આ વાવાઝોડાના અનુસંધાને જૂનાગઢ જિલ્લાની દેખરેખ માટેની ફરજ સોંપી છે તેવા પ્રભારી સચિવ શ્રી મનીષ ભારદ્વાજે પણ સંબંધિત અધિકારીઓ સાથે પરામર્શ કરી જરુરી સૂચનાઓ સાથે માર્ગદર્શન આપ્યું હતું.
મંત્રીશ્રીના પ્રવાસ દરમિયાન ધારાસભ્ય સર્વશ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, શ્રી દેવાભાઈ માલમ, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, જિલ્લા પોલીસવાળા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, પ્રાંત અધિકારી શ્રી કિશન ગરચર, મામલતદાર શ્રી હંસરાજસિંહ સહિતના પદાધિકારી અધિકારી સાથે રહ્યા હતાં.


