કલેકટર કચેરી ખાતે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લા કલેક્ટરશ્રી, પોલીસ
અધિક્ષકશ્રી તથા જામનગર જિલ્લામાં વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ ચલાવતી વિવિધ કંપનીઓના પ્રતિનિધિશ્રીઓ સાથે બેઠક યોજી વિવિધ
મુદ્દે ચર્ચા વિમર્શ તથા સમીક્ષા કરી હતી.
બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સોલાર, વિન્ડ સહિતની રીન્યુએબલ એનર્જીનો ગુજરાતમાં વધુમાં વધુ વ્યાપ થાય તે માટે
રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે તેમજ રીન્યુએબલ એનર્જીના વ્યાપથી પર્યાવરણને નુકસાન થતું અટકે છે સાથે સાથે નાગરિકો માટે
પણ રીન્યુએબલ એનર્જીના સ્ત્રોત આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ આ માટે ચલાવવામાં આવતા પ્રોજેક્ટ થકી ખેડૂતોને
કોઈપણ જાતનું નુકસાન કે અન્યાય ન થાય એ જોવું પણ એટલું જ જરૂરી છે. કંપનીઓ દ્વારા ખેડૂતોને યોગ્ય અને એક સમાન
વળતર મળે, ખેડૂતોના હિત જળવાઈ રહે તેમજ ખેડૂતોને કોઈપણ પ્રકારે અન્યાય ન થાય તે રીતે કામગીરી હાથ ધરવા મંત્રીશ્રીએ
તાકીદ કરી હતી. તેમજ જમીન વળતર, પાક નુકસાની વગેરેના સમાન ધોરણો નક્કી કરવા પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહ, પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, લાલપુર પ્રાંત અધિકારી શ્રી એન.ડી.ગોવાણી, ગ્રામ્ય
મામલતદારશ્રી, GETCO, સૂઝલોન, નેઈની વિન્ડ, સાઉથ કાઈનેટિક વિન્ડ એનર્જી, વિન્ડ વર્લ્ડ, ક્લીન મેક્સ, સર્જન રિયાલીટીઝ
તથા ઓપેરા એનર્જીના પ્રતિનિધિશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
