ભગવતી દુર્ગાની દશ મહાવિદ્યાઓમાં એક છે મહાકાળી.જેમના કાળા અને ભય ઉત્પન્ન કરે તેવા રૂપની ઉત્પત્તિ રાક્ષસોના નાશ કરવા માટે થઇ હતી.આ એક એવી શક્તિ છે જેનાથી સ્વયં કાળ પણ ભયભીત થાય છે.તેમનો ક્રોધ એટલું વિકરાળ રૂપ ધારણ કરે છે કે સંસારની તમામ શક્તિઓ ભેગી થઇને પણ તેમના ક્રોધ ઉપર કાબૂ કરી શકતી નથી.તેમના ક્રોધને રોકવા માટે સ્વયં તેમાના પતિ ભગવાન શિવ તેમના ચરણોમાં આવીને સૂઇ જાય છે.આ વિશે શાસ્ત્રોમાં એક કથા આવે છે તેના ઉપર નજર નાખીએ..
શ્રી માર્કણ્ડેય પુરાણ તથા શ્રી દુર્ગા સપ્તશતિ અનુસાર મહાકાળી માતાની ઉત્પત્તિ જગત જનની ર્માં દુર્ગાના લલાટથી થઇ હતી.
રક્તબીજ નામના અસુરે કઠોર તપ કરીને ભગવાન પાસેથી વરદાન મેળવ્યું હતું કે જો તેના રક્તની એક બૂંદ પણ ધરતી ઉપર પડશે તો તેનાથી અનેક અસુરો પેદા થશે.રક્તબીજે પોતાની શક્તિનો પ્રયોગ નિર્દોષ લોકોને ત્રાસ આપવા માટે શરૂ કર્યો.ધીરે ધીરે તેને પોતાનો આતંક ત્રણે લોકો ઉપર મચાવી દીધો. દેવતાઓએ તેને યુદ્ધ માટે લલકાર્યો.દેવતાઓ અને રક્તબીજ વચ્ચે ભયંકર યુદ્ધ થયું.દેવતાઓ પોતાની તમામ શક્તિથી રક્તબીજને મારવા પ્રયાસ કર્યો પરંતુ જેવું રક્તબીજનું લોહીનું એક ટીપું ધરતી ઉપર પડતાં જ આ એક ટીપામાંથી અનેક રક્તબીજ પેદા થઇ જતા હતા.
તમામ દેવતાઓ ભેગા થઇને મહાકાળી માતાના શરણમાં જાય છે.ર્મા કાલી વાસ્તવમાં સુંદરી રૂપ ભગવતી દુર્ગાનું કાળુ અને બિહામણું રૂપ છે જેમની ઉત્પત્તિ રાક્ષસોને મારવા માટે થઇ હતી.મહાકાળી માતાએ દેવતાઓની રક્ષાના માટે વિકરાળ રૂપ ધારણ કરીને યુદ્ધભૂમિમાં પ્રવેશ કરે છે.જેમના હાથમાં ખપ્પર છે જેમાંથી લોહી ટપકે છે તથા તેમના ગળામાં ખોપડીઓની માળા છે તેમ છતાં મહાકાળી માતાની આંખો અને હ્રદય પોતાના ભક્તોના માટે પ્રેમની ગંગા વહાવી રહ્યાં છે.
મહાકાળી માતાએ રાક્ષસોનો વધ કરવાનું શરૂ કર્યું પરંતુ રક્તબીજના લોહીનું એક ટીપું ધરતી ઉપર પડતાં તેમાંથી અનેક રાક્ષસોનો જન્મ થતો હતો જેના લીધે યુદ્ધભૂમિમાં દૈત્યોની સંખ્યા વધવા લાગી ત્યારે માતાજીએ પોતાની જીભનો વિસ્તાર વધાર્યો.હવે દાનવોના લોહીના ટીપા જમીન ઉપર પડવાના બદલે માતાજીની જીભ ઉપર પડવા લાગ્યાં.તેઓ લાશોનો ઢગલો કરતાં રહ્યાં અને તેમનું લોહી પીતા રહ્યા. આ રીતે મહાકાળી માતાએ રક્તબીજનો વધ કરી નાખ્યો પરંતુ તે સમયે મહાકાળી માતાનો ગુસ્સો એટલો વિકરાળ થઇ ગયો કે તેમને શાંત કરવાં જરૂરી હતું પરંતુ દરેક તેમની નજીક જતાં ડરતા હતા.
તમામ દેવતાઓ ભેગા મળીને ભગવાન શિવ પાસે જાય છે અને મહાકાળી માતાને શાંત કરવા વિનંતી કરે છે.ભગવાન શિવ તેમને અનેક રીતે શાંત કરવા માટે તમામ પ્રયાસો કર્યા તેમછતાં તેમનો ક્રોધ શાંત ના થતાં ભગવાન શિવ તેમના માર્ગમાં તેમના પગ નીચે જમીન ઉપર સૂઇ જાય છે.જ્યારે ર્માં કાલીએ પોતાના ચરણોમાં ભગવાન શિવને પડેલા જોયા તો તેમને એકદમ ઘણો જ સંકોચ થાય છે અને તેમનો ક્રોધ શાંત થઇ જાય છે.આદ્યશક્તિ ર્માં દુર્ગાના વિવિધ રૂપોનું વર્ણન માર્કણ્ડેય પુરાણમાં કરવામાં આવ્યું છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

