ગાંધીનગર
ગાંધીનગરના ચંદ્રાલા ગામની સીમ આગમન હોટલ સામેના હાઇવે રોડ પરથી વાહન ચેકીંગ દરમ્યાન ચીલોડા પોલીસે આઈસર ટેમ્પોમાં નાટક કંપનીના સજાવટનાં સામાનની આડમાં ૪૫ હજાર ૬૦૦ ની કિંમતનો વિદેશી દારૂનાં જથ્થાની હેરાફેરી કરતાં મુંબઈનાં ચાર ઈસમોને ઝડપી પાડી કુલ રૂ. ૭ લાખ ૪૬ હજાર ૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. હકીકતમાં, ગાંધીનગરના ચંદ્રાલા ગામની સીમમાં આવેલ આગમન હોટલ સામે હાઇવે રોડ ચીલોડા પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી. તે દરમ્યાન હિંમતનગર તરફથી એક બંધ બોડીનુ આઇશર ટેમ્પોને ઈશારો કરીને રોકવી દેવામાં આવ્યું હતું. જેમાં આગળનાં કેબીનમાં ડ્રાઇવર સહિત ચાર ઈસમો બેઠા હતા. બાદમાં પોલીસે ટેમ્પોમાં ભરેલ સામાન વિશે પૂછતાં અંદર નાટક કંપનીનો સજાવટનો સામાન ભર્યો હોવાનું કહ્યું હતું. જાે કે પોલીસની કડકાઈથી ચારેયનાં મોતિયા મરી ગયા હતા. આ જાેઈને પોલીસને ટેમ્પોમાં શંકાસ્પદ માલ ભર્યો હોવાનો અંદાજાે આવી ગયો હતો. અને ટેમ્પોની તલાશી લેવાનું શરૂ કર્યું હતું. જેમાં નાટક કંપનીનો સામાન એક પછી એક હટાવીને જાેતા વિદેશી દારૂની ચાર પેટીઓ મળી આવી હતી. જેમાં દારૂની ૪૮ નંગ બોટલો હતી. જે અંગે ચારેયની વધુ પૂછતાંછ કરતાં તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેનાં પગલે પોલીસે ચારેયની ધરપકડ કરી રૂ. ૪૫,૬૦૦ ની કિંમતનો દારૃ, મોબાઈલ ફોન, ટેમ્પો મળીને કુલ રૂ. ૭,૪૬,૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


