મેડીટેશન લાઈફ સ્ટાઈલ બદલી નાખે છે, તેનો ઉત્તમ દાખલો નડિયાદમાંથી જોવા મળ્યો છે. લોકડાઉનમાં મેડીટેશનથી લાઈફ બદલી આજે 3 જેટલા વિશ્વ રેકોર્ડ યુવતીએ પોતાના નામે કર્યા છે. ખેડા જિલ્લાના નડિયાદમાં રહેતી 26 વર્ષિય યુવતી ટવીન્કલ આચાર્યએ ‘પ્રણામા ગર્ભ પિંડાસના’ આસનમાં સતત 28 મિનિટ 55 સેકંડ ટકાવી રાખી ત્રીજી વાર વિશ્વ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ અગાઉ પણ તેણીએ કઠીન આસનો કરી વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યા છે.સતત ત્રીજી વખત વિશ્વ રેકોર્ડમાં સ્થાન હાંસલ કર્યું
ટવીન્કલ હિતેશભાઈ આચાર્ય યોગ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે. લગભગ 2-3 વર્ષથી તેણીની સતત યોગની પ્રવૃત્તિ કરી રહી છે. માતા અને પિતા ટ્યુશન ક્લાસ ચલાવે છે. ટવીન્કલ એ સતત ત્રીજી વખત વિશ્વ રેકોર્ડમાં સ્થાન હાંસલ કર્યું છે. તેણીએ ગત પહેલી જાન્યુઆરીના રોજ નડિયાદ સંતરામ મંદિર ખાતે ગાદીપતિ રામદાસજી મહારાજના સાંનિધ્યમાં આસનોમાં સૌથી કઠિન ગણાતું આસન ‘પ્રણામા ગર્ભ પિંડાસના’ કર્યું હતું. તેણીએ આ આસન સતત 28 મિનિટ 55 સેકંડ ટકાવી રાખી ત્રીજી વાર વિશ્વ રેકૉર્ડમા સ્થાન પ્રાપ્ત કર્યું છે.અગાઉ ટવીન્કલએ 27 માર્ચ 2022ના રોજ સંતરામ મંદિરમાં ‘પિંડાસનયુક્ત્તા સર્વાંગઆસન’ સતત 11 મિનિટ સુધી કરી ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તો વળી 21 જૂન 2022ના રોજ ‘મરિચ્યાસના’ માં સતત 9 મિનિટ 15 સેકંડ સુધી આસન ટકાવી રાખી બીજી વખત વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો અને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. આમ સતત 3 વખત વિશ્વ રેકોર્ડ પોતાના નામે આ યુવતીએ કર્યા છે.કોરોના સમયમાં આવા કઠીન આસનો શિખ્યા: ટ્વિંકલ
ટવીન્કલ સાથે વાતચીત કરતાં તેણીએ જણાવ્યું હતું કે, કોરોના સમયમાં આવા કઠીન આસનો શિખ્યા છે. તેણીએ વર્ષ 2019-20મા શહેરના ડાકોર રોડ આવેલ મુદીતાવંદનાનંદના આશ્રમ ખાતેથી માર્ગદર્શન મેળવ્યું હતું અને પછી જાતે જ આસનની પ્રેક્ટિસ ઘરે કરતી હતી અને જેના કારણે આજે 3 વિશ્વ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યા છે. વધુમાં તેણીએ જણાવ્યું કે, મેડીટેશનથી મને ઘણો ફાયદો થયો છે જીવનમાં જ્યારે પણ ખરાબ સમય આવે છે અને આ અવસ્થામાં મન વિચલિત થઈ જાય છે. ત્યારે નિયમિત રૂપે તમે મેડીટેશન કરતા હો તો તમને દરેક દિશા દેખાઈ જાય છે. મેં લોકડાઉનમાં સતત 21 દિવસ નિયમિત રૂપે મેડીટેશન અને યોગ અભ્યાસની શરૂઆત કરી અને ત્યારથી જ મારી લાઇફ બદલાઈ ચૂકી છે. આજે મેં ત્રીજી વખત વિશ્વ રેકોર્ડ હાંસલ કર્યો છે. વડાપ્રધાન પણ યોગને મહત્વ આપે છે અને તેઓ પોતાના પ્રવચનમાં અવારનવાર આ સંદર્ભે સમજણ આપે છે. આ ઉપરાંત બાબા રામદેવના યોગઆસન જોતી હતી જેના કારણે મને ઘણો ફાયદો થયો છે.


