Gujarat

શોક નિવૃત્તિનો ઉપાય

શ્રીમદ ભગવદ ગીતા(૨/૧૧)માં ભગવાન શોકાવિષ્ટ અર્જુનને શોક-નિવૃત્તિનો ઉપદેશ આપતાં કહે છે કે તમે શોક ન કરવા યોગ્યનો શોક કરો છો અને જ્ઞાનીજનો જેવા વચનો બોલો છો પરંતુ જેના પ્રાણ ચાલ્યા ગયા છે તેમના માટે અને જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક કરતા નથી. પંડીતોની દ્રષ્ટિએ એક સચ્ચિદાનંદઘન બ્રહ્મ જ નિત્ય અને સત્ય છે તેનાથી ભિન્ન કોઇપણ વસ્તુ નથી તે જ સર્વેનો આત્મા છે તેનો નાશ ક્યારેય અને કોઇપણ રીતે થતો નથી.શરીર અનિત્ય છે અને આત્મા અને શરીરનો સંયોગ-વિયોગ વ્યવહારીક દ્રષ્ટિએ અનિવાર્ય હોવાછતાં સ્વપ્નની જેમ કલ્પિત છે.

મનુષ્ય જ્યારે સંસારના પ્રાણી અને પદાર્થોને બે ભાગોમાં વહેંચે છે કે આ મારા છે અને આ મારા નથી, આ મારા કુટુંબી છે અને આ મારા કુટુંબીઓ નથી, આ મારા વર્ણ-જાતીના છે અને આ મારા વર્ણ-જાતીના નથી, આ મારા પક્ષના છે અને આ મારા પક્ષના નથી ત્યારે તેને શોક થાય છે.જે અમારા હોય છે તેમનામાં મમતા કામના પ્રિયતા અને આસક્તિ થઇ જાય છે અને આ મમતા-કામના વગેરેના લીધે જ શોક ચિંતા ભય ઉદ્વેગ હલચલ સંતાપ વગેરે દોષો પૈદા થાય છે.

ભગવાન કહે છે કે શોક કરવાના બદલે તૂં ફક્ત મારો આશ્રય લે કારણ કે સંસારનો આશ્રય લેવાથી જ શોક થાય છે અને અનન્યભાવથી મારો આશ્રય લેવાથી શોક-ચિંતા વગેરે દૂર થાય છે.સંસારમાં બે ચીજો છેઃસત્ અને અસત્, શરીર અને આત્મા.આ બંન્નેમાં આત્મા તો અવિનાશી છે અને શરીર વિનાશી છે.આ બંન્ને શોક કરવા યોગ્ય નથી કેમકે અવિનાશીનો ક્યારેય વિનાશ થવાનો નથી અને જે વિનાશી છે તેનો વિનાશ થવાનો જ છે,તે એક ક્ષણ માટે પણ સ્થાઇરૂપે રહેવાનો નથી એટલે આ બંન્નેનો શોક કરવો એ ફક્ત મૂર્ખતા છે.

મનુષ્ય જીવનમાં જનમ-મરણ,લાભ-હાનિ,યશ-અપયશના રૂપમાં જે પરિસ્થિતિ આવે છે તે પ્રારબ્ધ એટલે કે અમારા કર્મોના ફળરૂપે આવે છે એટલે અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિ આવે તેનો શોક કરવો,સુખી-દુઃખી થવું એ મૂર્ખતા છે કારણ કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે તેનો આરંભ અને અંત હોય છે.

એકબાજુ આપણે પંડીતાઇની વાતો કરીએ અને બીજી બાજું શોક પણ કરીએ પરંતુ જે પંડીત હોય છે તે ક્યારેય કોઇના માટે શોક કરતા નથી.એક દિવસ તમામના શરીર અને પ્રાણનો વિયોગ થવાનો જ છે તેના માટે શોક કરવો એ પણ આપણી ભૂલ છે.

જેનું મૃત્યુ થયું છે તેમના માટે શોક કરવો એ મહાન ભૂલ છે કારણ કે તેમના માટે શોક કરવાથી તે પ્રાણીઓને દુઃખ ભોગવવું પડે છે.મૃતાત્માના માટે જે પિંડ અને જળ આપવામાં આવે છે તે મૃતાત્માને પરલોકમાં મળે છે.તેમના માટે જે કફ અને આંસુઓ વહેવડાવવામાં આવે છે તે મૃતાત્માને પરવશ થઇને પીવાં પડતાં હોય છે અને જે જીવતાં હોય છે તેમના માટે પણ શોક ના કરતાં તેમનું પાલન-પોષણ કરવું જોઇએ,તેમની સુખ સુવિધાની વ્યવસ્થા કરવી જોઇએ આ કર્તવ્ય છે.

શરીરની સાથે એકતા માનવાથી કે શરીર એ હું છું અને શરીરના સબંધથી જે પોતાનાં છે તેમની સાથે પોતાપણાનો ભાવ હોવાના કારણે તેમના મરવાની આશંકાથી મનમાં ચિંતા-શોક થતાં હોય છે.શરીર અને આત્મા બંન્ને સર્વથા સબંધરહિત છે.બંન્નેનો સ્વભાવ અલગ-અલગ છે.એક જડ છે તો બીજું ચેતન, એક વિનાશી અને બીજું અવિનાશી,એક વિકારી છે તો બીજું નિર્વિકાર,એકમાં પ્રતિક્ષણ પરીવર્તન થાય છે અને બીજું અનંતકાળ સુધી જેવું છે તેવું જ રહે છે.

ગીતાનો ઉપદેશ શરીર અને આત્માના ભેદથી શરૂ થાય છે.તમામના અનુભવ અનુસાર ગીતા આત્મા-અનાત્માનું વર્ણન કરે છે.જેને પોતાનું કલ્યાણ કરવું હોય તેમને સૌથી પહેલાં એ જાણી લેવું જરૂરી છે કે હું કોન છું? દેહ અને આત્માના ભેદનો સ્વીકાર કરવાથી જ કલ્યાણ સંભવ છે.જ્યાં સુધી હું શરીર છું એવો ભાવ રહેશે ત્યાંસુધી ગમે તેટલો ઉપદેશ સાંભળી લો,ગમે તેવી સાધના કરી લો તેમછતાં કલ્યાણ થવાનું નથી.

જે વસ્તુ આપણી નથી તેને આપણી માનવી અને જે વસ્તુ વાસ્તવમાં આપણી છે તેને પોતાની ના માનવી એ બહુ મોટી ભૂલ છે.આપણી વસ્તુ એ છે કે જે હંમેશાં અમારી સાથે રહે છે અને અમે તેની સાથે અમે રહેતા હોઇએ.શરીર એક ક્ષણ પણ અમારી સાથે રહેતું નથી અને પરમાત્મા નિરંતર અમારી સાથે રહે છે એટલે શરીરને પોતાનું માનવું અને પરમાત્માને પોતાના ના માનવા એ અમારી બહુ મોટી ભૂલ છે અને આ ભૂલને દૂર કરવા ભગવાન ગીતામાં સૌથી પહેલાં શરીર-આત્માના ભેદનું વર્ણન કરીને સમજાવે છે કે જેનું મૃત્યુ થાય છે તે તમે નથી એટલે કે તમે શરીર નથી.તમે તો જ્ઞાતા(જાણવાવાળા) છો અને શરીર જ્ઞેય છે. તમે ચિન્મય લોકના નિવાસી છો અને શરીર જડ સંસારનું નિવાસી છે.ભગવાન કહે છે કે તમે મારા અંશ છો અને શરીર પ્રકૃતિનું અંશ છે.આત્મા હંમેશાં અમરતામાં રહે છે અને શરીર નિરંતર મૃત્યુમાં રહે છે. શરીરમાં કોઇ ક્ષતિ થવાથી તમારામાં સહેજપણ ક્ષતી થતી નથી એટલે શરીરના લીધે તમારામાં શોક ચિંતા ભય વગેરે થવાં ના જોઇએ.

મનુષ્ય શરીર વિવેકપ્રધાન છે એટલે હું શરીર નથી-આ વિવેક મનુષ્યશરીરમાં જ આવી શકે છે. શરીરને હું અને મારૂં માનવું એ પશુબુદ્ધિ છે એટલે શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજન ! હું મરી જઇશ તેવી પશુબુદ્ધિ હવે છોડી દો.

ભગવાનના ભક્તમાં શોકનો વિકાર હોતો નથી.અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં અને ઇષ્ટના વિયોગથી શોક થાય છે.પ્રભુની લીલામાંના વિધાન અનુસાર ભક્તને ક્યારેય પ્રતિકૂળતાનો અનુભવ થતો નથી.પ્રભુની લીલાના રહસ્યને તે સમજતો હોવાથી તે દરેક સમયે સર્વવ્યા૫ક પ્રભુના સ્વરૂ૫માં મગ્ન રહે છે,પછી તેને શોક કેવી રીતે થઇ શકે? હર્ષ અને શોકના પ્રસંગમાં જે બુદ્ધિ અને મનનું સમતોલ૫ણું ગુમાવતા નથી તે ભક્ત ભગવાનને ગમે છે.

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *