સુરત
સુરતમાં ફરીથી નશાનો કારોબાર ઝડપાયો છે. સરથાણા પોલીસે ૦.૯૬૦ ગ્રામના ડ્રગ્સના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ વેચાણના રોકડા રૂપિયા ૭૬૦ મોપેડ મળી કુલ ૯૦,૩૬૦ની મત્તા કબજે કરી હતી. તેમજ ડ્રગ્સનો જથ્થો આપનાર ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સુરત પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડ્રગ્સનો વેપલો કરતા ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સરથાણા પોલીસે ડ્રગ્સ સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરથાણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન બામતીના આધારે સરથાણા કૃષ્ણકુંજ ફાર્મ સામેની ગલીમાંથી આરોપી અતીત અરવિંદભાઈ મકવાણાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની અંગઝડતી લેતા તેની પાસેથી ૯૬૦૦ રૂપિયાની કિમતનું ૦.૯૬૦ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી ડ્રગ્સ વેચાણના રોકડા રૂપિયા ૭૬૦, બે મોબાઈલ ફોન તથા એક મોપેડ મળી કુલ ૯૦,૩૬૦ રૂપિયાની મત્તા કબ્જે કરી હતી. અમિત મકવાણાએ જેની પાસેથી ડ્રગ્સ લીધી હતી અને કેટલા સમયથી તે સપ્લાય કરતો હતો. તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા તેને આ ડ્રગ્સનો જથ્થો વસીમ ઉર્ફે સાહિલ ઉર્ફે નીપલ મુસ્તાક મિર્ઝા નામના ઈસમેં આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે ડ્રગ્સનો જથ્થો આપનાર ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે. વસીમ રાંદેર વિસ્તારનો રહેવાસી છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા એનડીપીએસ ગુના હેઠળ કાર્યવાહી આગળ શરૂ કરી છે.


