ઉત્તરપ્રદેશમાં કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું નિર્માણ પૂર જોરશોરથી ચાલી રહ્યું છે. તેની સમકક્ષ અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિરનો વિસ્તાર વધારી પ્લાઝા બનાવવા મ્યુનિ. દ્વારા કામગીરીની શરૂઆત કરાઈ છે.
જેના અનુસંધાને 100 વર્ષ કરતા જૂની જગન્નાથ મંદિરની ચાલી ઉપર સરકારે મેગા ડેમોલિશન કરવા નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિ. એ 11 નવેમ્બરે પ્રથમ 15 મકાનોને દૂર કરવા નોટિસ આપી છે. જમાલપુર-ખાડિયા વિધાનસભા મતક્ષેત્રમાં આવતી જગન્નાથ મંદિરની ચાલી, સોમનાથ ભુદરનો આરો અને હનુમાન મંદિરની ચાલીમાં આશરે 300થી વધુ પાકાં મકાનો અને ઝુંપડાઓ છે.
પાંચ પેઢી કરતાં વધુ સમયથી પરિવારો અહીં વસવાટ કરે છે. રહીશો પાસે જગન્નાથ મંદિરને ભાડું ચૂકવ્યાની 60 વર્ષ કરતા જૂની ભાડા પહોંચ ઉપલબ્ધ છે. મ્યુનિ. દ્વારા રહીશોને 7 દિવસમાં જગ્યા ખાલી કરવા નોટિસ અપાઈ છે. મ્યુનિ. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે, નાગરિકોની સુખાકારી માટે સરકાર કટિબદ્ધ છે. વર્ષોથી રહે છે તેમને પાકા મકાન આપવામાં આવશે.

