Gujarat

શહેરની પ્રાથમિક સ્કૂલોમાં 5 વર્ષ બાદ બદલી કેમ્પ, 59 જગ્યા ભરાઇ

ગાંધીનગર શહેર વિસ્તારની પ્રાયમરી સ્કૂલોમાં 5 વર્ષથી શિક્ષકોની ખાલી જગ્યા રહ્યા બાદ આખરે શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2007ની બાકી રહેલી યાદીને 2002ની નીતિ અનુલક્ષીને અગ્રતાક્રમ આપવાનો આદેશ કરવામાં આવતા તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

જેના પગલે શહેર વિસ્તારની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-1થી 8માં શિક્ષકોની 59 જગ્યા ભરવામાં આવી છે. જેથી હવે બાળકોને સારૂ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકાશે.

ગાંધીનગર શહેર વિસ્તારની પ્રાયમરી સ્કૂલોમાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવાનો મામલો કોર્ટમાં જતાં છેલ્લા પાંચ વર્ષ સુધી ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી ન હતી. વિવિધ ત્રણ કેટેગરી મુજબ કેટેગરી-2 હેઠળ આવતા શિક્ષકોની બદલીથી ખાલી જગ્યા ભરવાની પ્રક્રિયા પાંચ વર્ષ બાદ હાથ ધરાઇ છે.

આ કેટેગરીમાં એક જ જિલ્લામાં સરકારી નોકરી કરતા હોય તેવા પતિ- પત્નીના કિસ્સામાં આવતા હોય તેવા શિક્ષકોને એક શહેર કે ગામમાં મૂકવાના નિયમનો સમાવેશ થાય છે. આ કેટેગરી માટે શિક્ષણ વિભાગે કરેલા આદેશ મુજબ વર્ષ 2007ની યાદી પ્રમાણે બદલીનો લાભ લીધો ન હોય તેવા શિક્ષકોને વર્ષ 2002ની નીતિ પ્રમાણે અગ્રતા ક્રમ આપીને લાભ આપવામાં આપવામાં આવ્યો છે.

આ માટે વર્ષ 2020-2021ની સિનિયોરિટી પણ સળંગ ગણવામાં આવી છે. પ્રથમ તબક્કાની પ્રક્રિયા પૂર્ણ કરીને કુલ 59 શિક્ષકોને ગાંધીનગર શહેર વિસ્તારની પ્રાથમિક સ્કૂલોમાં સમાવવામાં આવ્યા છે.

જેમાં ધોરણ- 1થી 5માં 52 અને ધોરણ-6થી 8માં 11 શિક્ષકોનો સમાવેશ થાય છે. આ પ્રથમ તબક્કાની પ્રક્રિયામાં શહેર વિસ્તારની સ્કૂલોમાં સમાવવા માટેના કેમ્પમાં ધારાસભ્ય, મેયર, શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શિક્ષકોને બદલીથી જગ્યા ભરવાના આદેશ આપવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં એકમાત્ર ગાંધીનગર શહેરમાં શિક્ષકો માટે વિવિધ ત્રણ કેટેગરી લાગુ કરવામાં આવી છે. કેટેગરી-2ની પ્રક્રિયા હાલ પુરી થઇ છે.