Gujarat

શહેરના વિવિધ વિસ્તારમાં લાઈટ ગુલ થતાં ગરમી સાથે 200 પરિવારે રાત અંધારામાં પસાર કરી

વડોદરાના ગોરવા, આજવા રોડ પરિવાર સ્કૂલ પાસ, ફતેપુરા, વારસીયા રીંગરોડ સહિત વિવિધ વિસ્તારોમાં 8 વીજ થાંભલાઓ પર આગ લાગવાના બનાવ બન્યા હતા. જેમાં ગોરવા વિસ્તારમાં કૈલાસધામ સોસાયટીમાં વીજ થાભલા ઉપર આગ લાગતા 200 જેટલા પરિવારોને આખી રાત અંધારામાં પસાર કરવાનો વારો આવ્યો હતો.

મોડી રાત્રે કેબલ વાયર તૂટ્યો

ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી અનુસાર મોડી રાત્રે શહેરના ગોરવામાં આવેલા કૈલાશધામ સોસાયટીમાં વીજ થાંભલામાં આગ ફાટી નીકળી હતી. આગના કારણે આસપાસની સોસાયટીના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. કૈલાશધામ સોસાયટીમાં વીજ થાભલા ઉપર લાગેલી આગના કારણે કેબલ વાયર તૂટીને કેટલાકની કાર ઉપર પડ્યો હતો તો કેટલાકના મકાનના ગેટ ઉપર પડ્યો હતો. જોકે મોડી રાત્રે આ ઘટના બની હોવાના કારણે કોઈ જાનહાની થઈ નથી. જો સાંજના સમય દરમિયાન આ ઘટના બની હોત તો મોટી દુર્ઘટના થવાની શક્યતાઓને નકારી શકાય તેમ ન હતી.

લોકોએ વીજ કંપની સામે રોષ ઠાલવ્યો

ગોરવા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી એક પછી એક થાંભલા ઉપર આગ લાગવાના બનાવ બની રહ્યા છે અને 1200 જેટલા લોકોને તેની અસર થઈ રહી છે. રાત્રે કૈલાસધામ સોસાયટીમાં થાંભલા ઉપર આગ લાગવાના કારણે 200 જેટલા લોકોને આખી રાત અંધારામાં પસાર કરવાની ફરજ પડી હતી. મોડી રાતથી બંધ થઈ ગયેલો પુરવઠો આજે મોડી સવારે શરૂ થયો હતો. કલાકો સુધી વીજ પુરવઠો શરૂ ન થતા લોકોએ વીજ કંપની સામે રોષ ઠાલવ્યો હતો.

આજવા રોડ અંધારપટમાં છવાયો હતો

આ ઉપરાંત શહેરના આજવા રોડ પરિવાર સ્કૂલ પાસે મહાકાળી સોસાયટીમાં વીજ થાભલા ઉપર આગ લાગતા અંધારપટ છવાઈ ગયો હતો. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં લશ્કરો સ્થળ ઉપર દોડી ગયા ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તે સાથે વીજ કંપનીની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી. તે સાથે ઠેકરનાથ મંદિર પાસે આવેલ સુરુચી પાર્કમાં વીજ પોલના કેબલમાં આગ લાગી હતી.

ઉપરાંત વારસીયા રીંગ રોડ ઉપર આવેલા રાજધાની સોસાયટી પાસે, આર.વી દેસાઈ રોડ મયુર સોસાયટીમાં ટ્રાન્સફોર્મરમાં અને આટલાદરા સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલા વીજ થાંભલાના કેબલમાં આગ ફાટી નીકળી હતી. જોકે આ ઘટનાઓમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ વિસ્તારના લોકોને અસહ્ય ગરમી વચ્ચે અડધી રાત પસાર કરવાનો વખત આવ્યો હતો. અસહ્ય ગરમીના કારણે આગના બનાવોમાં વધારો થતા ફાયર બ્રિગેડ અને વીજ કંપનીઓને સતત દોડતા રહેવું પડ્યું હતું.