Gujarat

પાણીની લાઈનનું ભંગાણ જોડતા મગરથી બચવા સુતળી બૉમ્બના 24 ધડાકા કરાયા

શહેરમાં નવાપુરા વિસ્તારને પાણી પહોંચાડતી લાઈનમાં લાલબાગ તળાવ પાસે ભંગાણ પડતા પાલિકાની ટીમે તેનું સમારકામ હાથ ધર્યું હતું. જોકે તળાવમાં સમારકામની જગ્યાએ મગર ન આવી ચઢે તે માટે કર્મચારીઓએ 6 કલાકની કામગીરી દરમિયાન 24 બૉમ્બના ધડાકા કર્યા હતા.શહેરના નવાપુરા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી પાણી ઓછા પ્રેશરથી મળતું હોવાની ફરિયાદો ઉઠી હતી.

પાણી પુરવઠા વિભાગે તપાસ કરતા લાલબાગ ટાંકીથી નવાપુરા વિસ્તારને પાણી પહોંચાડતી 600 મીમીની લાઈનમાં લાલબાગ તળાવ પાસે નાળા નજીક ભંગાણ પડ્યું હતું. ભંગાણના કારણે પીવાનું પાણી સીધું તળાવમાં જઈ રહ્યું હતું. મંગળવારે પાલિકાની પાણી પુરવઠા વિભાગની ટીમે લાઈનનું સમારકામ હાથ ધર્યું હતું જોકે લાલબાગ તળાવમાં અગાઉ મગર દેખા દીધો હોવાથી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જેના પગલે પાણી પુરવઠા વિભાગની ટીમે નવી તરકીબ અપનાવી હતી.

મગર સ્થળ પર ન આવી ચડે તે માટે બૉમ્બ(ફટાકડા) ફોડવાનું નક્કી કર્યું હતું. 6 કલાક સુધી ચાલેલી સમારકામની કામગીરી દરમિયાન 24 બોમ્બ ફોડવામાં આવ્યા હતા. જ્યારે બે કર્મચારીઓ તળાવના પાણીમાં લાકડીઓ થપ થપાવતા નજરે પડ્યા હતા. સમારકામના કારણે વિસ્તારના 6 હજાર લોકોને પડતી પાણીની સમસ્યામાંથી રાહત મળી હતી.