Gujarat

જામનગર રોડ ઉપર 670 મીટર લાંબો ફોર લેન બ્રિજ 2 વર્ષમા નિર્માણ પામશે, મ્યુ. કમિશનરે સાઇટ વિઝિટ કરી

રાજયમાં ચૂંટણી આચારસંહિતા પૂરી થઇ ગઇ છે અને આજથી મહાનરગપાલિકા કચેરીમાં પદાધિકારીઓએ પોતપોતાની ચેમ્બરમાં અને વિસ્તારોમાં કામગીરી સંભાળી લીધી છે ત્યારે કમિશ્નર દેવાંગ દેસાઇએ પણ મહત્વના પ્રોજેકટની સાઇટ વિઝિટ માટે પહોંચી ગયા હતા.

હવે રાજકોટ માટેના સૌથી મહત્વના અને કદાચ વાહન વ્યવહારને સૌથી અસર પાડી શકે એવા સાંઢીયા પુલની જગ્યાએ નવા ફોરલેન બ્રિજ બનવાનો છે, તેની મુલાકાતે પહોંચ્યા હતા. જે સાંઢીયો પુલ તોડવા માટેની કામગીરી 4 માસમાં પૂર્ણ થશે. જે પૂલની સમયમર્યાદા માર્ચ-2026 સુધીમાં પૂર્ણ થવાની છે.

અંદાજીત 1 લાખથી વધુ નાગરિકોને લાભ મળી રહેશે

આ ઉપરાંત રેસકોર્સમાં આર્ટ ગેલેરી, સ્પોર્ટસ ગ્રાઉન્ડમાં વ્યુઈંગ ગેલેરી ઉપરાંત પોપટપરા અને પેડક રોડના વોંકળાની પણ મુલાકાત લીધી હતી. શહેરના રેસકોર્ષ ખાતે બની રહેલ આર્ટ ગેલેરી, વ્યુઈંગ ગેલેરી, જામનગર રોડ પર બની રહેલ સાંઢીયા પુલ બ્રિજ અને પોપટપરા વોંકળા તેમજ પેડક રોડ પરના વોંકળાની મુલાકાત દરમિયાન ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી અને અધિકારીને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી.

કમિશનરે આર્ટ ગેલેરીની ચાલી રહેલ કામગીરી વિશે જણાવ્યું હતું કે, રૂ. 5,90,80,175ના ખર્ચે 976.00 ચો.મી. ક્ષેત્રફળમાં આર્ટ ગેલેરી એકઝીબિશન હોલ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં ગ્રાઉન્ડફ્લોર પર મલ્ટીપર્પઝ ગેલેરી-એક્ઝિબિસન હોલ, સ્ટોરરૂમ, ટોઇલેટ બ્લોક, વોટરરૂમ, ઇલેકટ્રીકરૂમ, લીફટ તથા અન્ય બે ગેલેરી તેમજ ફસ્ટ ફલોર પર બે ગેલેરીનો સમાવેશ થાય છે.

તેમજ આ રેસકોર્ષ સંકુલમાં આર્ટ ગેલેરીનું કામ થવાથી આર્ટિસ્ટોને તેમની કલાનાં પ્રદર્શન માટે એક પ્લેટફોર્મ મળી રહેશે. હસ્તકલા, પેઇન્ટીંગ તથા અન્ય પ્રદર્શનો થઇ શકશે. દર વર્ષે આર્ટ ગેલેરીનો અંદાજીત 1 લાખથી વધુ નાગરિકોને લાભ મળી રહેશે. જે જાન્યુઆરી – 2025 સુધીમાં પૂર્ણ થશે.