Gujarat

ગોંડલી નદી પર ફોરલેન બ્રિજના બાંધકામમાં અડચણરૂપ મિલકતોનું ડિમોલિશન કામ શરૂ

ગોંડલનાં રાજાશાહી સમયનાં બે પુલ જર્જરિત હોવાની હાઇકોર્ટમાં કરાયેલી પીઆઈએલનાં પગલે હાઇકોર્ટનાં નિર્દેશન મુજબ હરકતમાં આવેલી રાજ્ય સરકારે અંદાજે 19 કરોડનાં ખર્ચે ભોજરાજપરાથી કંટોલીયા રોડ વચ્ચે નદી પર નવા પુલની મંજૂરી અપાઈ હોય નદી કાંઠા નજીકનાં દબાણો હટાવવા પાલિકા દ્વારા ડિમોલિશન હાથ ધરાયુ હતું અને અંદાજે બે હજાર મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

નવનિર્મિત મંજૂર કરેલા ફોર લેન બ્રિજની કામગીરીમાં અડચણરૂપ મિલકતો દૂર કરવા નગર પાલિકા દ્વારા નદી કાંઠાના 43 મકાન માલિકોને 10 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ આપી હતી.

નોટિસનો સાત દિવસ નો સમયગાળો પૂર્ણ થતાં આજથી મિલકતનું ડિમોલેશન હાથ ધરાયું છે. મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર, પીજીવીસીએલ સહિતના અધિકારીઓ ડિમોલિશનની કામગીરીમાં જોડાયા છે. ડિમોલિશનમાં 2 JCB, એક ડમ્પર, 2 ટ્રેકટર સહિતના વાહનોની મદદ લેવાઇ છે.

સ્થળ પર શહેર મામલતદાર, નાયબ મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર એ.જે.વ્યાસ વગેરે રોકાયા હતા. નગરપાલિકાએ ગેરકાયદેસર દબાણ કરી મકાનો બાંધી રહેતા 42 જેટલા દબાણકારોને જે તે સમયે નોટિસ પાઠવી હતી અને ખાલી કરવા 10 દિવસની મહેતલ અપાઇ હતી, તેમ છતાં અમુક જગ્યાએ હજુ પણ દબાણ યથાવત હોઇ તંત્રે અગાઉથી આપેલી સુચના મુજબ તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવાયુ છે.