આજે ખેડા જિલ્લામાં અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આજે વાત કરીએ ઠાસરા તાલુકાના ઉધમાતપુરા ગામના સાહસિક ખેડૂત છત્રસિંહ પરમારે પોતાના ગામમાં સૌપ્રથમ પ્રાકૃતિક ખેતી અપનાવી આજે ઉધમાતપુરાના 25થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યા છે.
છત્રસિંહ પરમારે તેમની ત્રણ એકર જમીનમાં મગ અને ઘઉંની પ્રાકૃતિક ખેતી કરી રૂપિયા 1.20 લાખની આવક મેળવી છે. આ સાથે ઓછી જમીનવાળા ખેડૂતો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. તેઓ અગાઉ રાસાયણિક ખેતી કરતા હતા. ત્યારબાદ આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શનમાં તેમણે વર્ષ 2020થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.
આજે તેઓ મિશ્ર પાક મોડેલ આધારિત ખેતી કરે છે. છત્રસિંહે હાલમાં ફુલાવર, ડુંગળી, રીંગણ, મેથી, મરચી, ટામેટા, મૂળા સહિત શાકભાજીનું વાવેતર કર્યું છે. વધુમાં તજ, તમાલપત્ર, સિંદૂર અને જામફળી ઉગાડીને મિશ્ર પાકનું સુંદર મોડેલ ઉભુ કર્યું છે.
બે દેશી ગાય ધરાવતા છત્રસિંહે પોતાના ફાર્મનું નામ ગૌરી પ્રાકૃતિક ફાર્મ રાખ્યું છે. ગાય નિભાવ માટે સરકાર દ્વારા તેમને દર મહિને રૂ. 900ની સહાય મળે છે. આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શનથી છત્રસિંહે 5000 લીટરની ક્ષમતા ધરાવતું જીવામૃત સ્ટ્રકચર બનાવ્યું છે.
જેમાં તેઓ જીવામૃત, ઘનજીવામૃત, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને દશપરણી અર્ક બનાવી તેનો નિયમિત રીતે ખેતીમાં છંટકાવ કરે છે. વધુમાં આ જીવામૃતને જે ખેડૂતો પાસે ગાયના હોય તેને પણ નજીવા દરે પૂરું પાડે છે.
પોતાની પ્રાકૃતિક ખેતીની સફરની વાત કરતા છત્રસિંહ જણાવે છે કે, આજે પ્રાકૃતિક ખેતી દ્વારા તેમનો ખેતીનો ખર્ચ ઘટ્યો છે અને સામે આવક વધી છે. તેમને આનંદ છે કે આજે તેઓ પ્રાકૃતિક ખેતી દ્વારા પ્રકૃતિ અને માનવ સ્વાસ્થ્ય જાળવણીના કાર્યમાં તેઓ મદદરૂપ કામગીરી કરી રહ્યા છે.
છત્રસિંહ પોતાની ખેત પેદાશોનું વેચાણ ટેલિફોનીક માધ્યમથી ગ્રાહકોને સીધું વેચાણ કરે છે. સાથે જ પોતાના કૃષિ કૌશલ્યને પોતાના પૂરતું મર્યાદિત ન રાખતા અન્ય ખેડૂતોને પણ સતત માર્ગદર્શન આપે છે. આત્મા પ્રોજેક્ટ ઠાસરા અને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આયોજિત અનેકવિધ તાલીમ અને કાર્યક્રમોથી તેમણે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 250થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી છે.