મહીસાગર જીલ્લાના ખડોદી ગામ ખાતે હાલમાં અમેરીકામાં રહેતા શ્રી ભરતભાઇ દરજીના નિવાસ સ્થાને સંત નિરંકારી મિશન દાહોદના ઝોનલ ઇન્ચાર્જ મહા.ભૂપેન્દ્રભાઇ ગડરીયાની અધ્યક્ષતામાં સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું મંચ સંચાલન દાહોદના શ્રી રાજુભાઇ આંગણેજીએ કર્યું હતું.જેમાં દાહોદ,ગોધરા,વાડી,ધામણોદ વગેરે ગામના ભક્તજનોએ હાજર રહી પોતાની અનુભવજન્યવાણી અને સુમધુર ભક્તિગીતો દ્વારા મંત્રમુગ્ધ કર્યા હતા.
સત્સંગ સમારોહની શરૂઆત બાલિકાઓ દ્વારા હરદેવવાણી પદના સુમધુર ગાયન દ્વારા થઇ હતી. ગોધરાથી પધારેલ મહા.કાનજીભાઇએ પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે સદગુરૂની સમક્ષ સમર્પણ કરવાથી જ ૫રમાત્માનું દર્શન થાય છે તથા આ નિરાકાર પ્રભુ ૫રમાત્માનાં દર્શન કર્યા બાદ જ અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે.મનુષ્ય જ્યારે સદગુરૂ કૃપાથી પ્રભુનાં દર્શન કરી લે છે તો હરપલ ઇશ્વરનાં દિદાર કરતાં કરતાં આ જીવનમાં આનંદ પ્રાપ્ત કરતાં કરતાં અંતમાં મૃત્યુ બાદ મુક્ત થઇ જાય છે.ઇશ્વરનાં દર્શન કરવાથી અજ્ઞાનતા નષ્ટ થઇ જાય છે.જીવનમાં સુખ શાંતિ આનંદ અને પ્રેમ ઇચ્છતા હો તો આ પ્રભુ ૫રમાત્મા સાથે સબંધ જોડવો ૫ડશે.જે આત્મા ૫રમાત્માનું જ્ઞાન મેળવી તેની સાથે જોડાઇ ગયા તેમને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે.આજે તમામ વ્યક્તિઓ ૫રમાત્માની ચર્ચા તો કરે છે પરંતુ ૫રમાત્માને જાણ્યા વિના ભક્તિ કરી રહ્યા છે,તે ૫રમાત્માને જાણીને પૂજા કરે તો ભક્તિનો આનંદ આવે છે. ૫રમાત્માની જાણકારી ક્ષૌત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મવેત્તા મહાત્માની કૃપાથી જ સંભવ છે કે જે સ્વંયમ ૫રમાત્માને જાણતા હોય,શરીરધારી સદગુરૂની કૃપા વિના બ્રહ્માનુભૂતિ સંભવ નથી.જાણ્યા વિનાના જાપ જપો ભાઇ ત્રિવિધ તાપ નહી ટળે,ભક્તિ કરો પણ ભેદ છે ભાઇ જન્મ-મરણ નહી ટળે.જપ તપ તીરથ સમાધિને ધારણા આ દેહ સુધીના ઠરે,આ દેહમાંથી હંસલો હાલ્યો જશે તો ક્યાં જઇને ઠરશે?
ખડોદીના બહેન મંજુજીએ દિપાવલીના તહેવાર નિમિત્તે સુંદર ભક્તિ રચના પ્રસ્તુત કરી હતી.વાડીના મુખી શ્રી ચંદ્રસિંહે કહ્યું હતું કે સત્સંગ એ જ્ઞાનરૂપી યજ્ઞ છે.ધ્યાનનું મૂળ ગુરૂમૂર્તિ છે,પૂજાનું મૂળ ગુરૂના ચરણ,મંત્રનું મૂળ ગુરૂ વાક્ય છે પરંતુ ગુરૂની કૃપા થાય તો જ મોક્ષની પ્રાપ્તિ થાય છે.ગોધરાના શ્રી ઇશ્વરભાઇ સેવકાનીએ ભક્તોની મહિમા સમજાવતાં કહ્યું કે સંતો ઠેરઠેર ફરીને સત્યનો સંદેશ ફેલાવે છે.ભગવાન શ્રીકૃષ્ણે જે ગીતાજ્ઞાન અર્જુનને આપ્યું હતું તે જ બ્રહ્મનું જ્ઞાન આજે નિરંકારી મિશનના વડા સદગુરૂ માતાજી આપી બહ્યા છે.
બ્રહ્મસમાજના પાંડરવાડાના અગ્રણી પ્રો.કાન્તીભાઇ પંડ્યા સાહેબે આવેલ ભક્તજનોને નવા વર્ષની શુભકામના પાઠવતાં કહ્યું કે જીવતર તમે સુંદર જીવજો,પૂર્વમાંથી પુણ્ય,પશ્ચિમમાં પ્રાયશ્ચિત,ઉત્તરમાંથી ઉત્તમ પુણ્ય અને દક્ષિણમાંથી દાયિત્વ પ્રાપ્ત થાય.હું કોન છું? ધરતી ઉપર શા માટે આવ્યો છું? અને આ શરીર છોડીને મારે ક્યાં જવાનું છે? આ જ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય છે.ભક્તિમાં વિશ્વાસ અતિ આવશ્યક છે.ઘૃણા અને હિંસાએ બધાને ઘેરી લીધેલ છે અને તેથી જ એકબીજાને સમજવાની વાત તો દુર રહી,પરસ્પર વિશ્વાસ કરવા માટે ૫ણ કોઇ તૈયાર નથી.દરેક મનુષ્યએ એવી વાણી બોલવી જોઇએ જેનાથી સાંભળનાર મનમાં ઠંડકનો અનુભવ કરે,સારી લાગે,મનને આનંદિત કરી શકે,સુખનો અનુભવ કરાવી શકે અને આપણા મનને પણ આનંદ આપી શકે.મીઠી વાણીથી અમે દરેકનો પ્રેમ અને આદર મેળવી શકીએ છીએ.મીઠી વાણીથી આપણે દરેકની ઉપર વિજ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ.ખડોદીના મુખી મહા. જગદીશભાઇએ કહ્યું હતું કે જે અખંડ છે,જે સમગ્ર બ્રહ્માંડમાં સમાહિત છે,જે ચર-અચરમાં તરંગિત છે તે પ્રભુના પરમ તત્વનું જે દર્શન કરાવે તેવા ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરૂને નમન કરવાના છે.એક પ્રભુ પરમાત્માને જાણ્યા વિના વિશ્વાસ આવતો નથી,વિશ્વાસ વિના પ્રીતિ થતી નથી અને પ્રીતિ થયા વિના ભક્તિમાં દ્રઢતા થતી નથી.
નવીવાડીના શ્રી વિનોદભાઇ માછીએ શાસ્ત્રોક્ત વિચારો વ્યક્ત કરતાં કહ્યું હતું કે આંખોથી થાય છે તે આકર્ષણ અને દિલથી થાય છે તે પ્રેમ છે.પ્રેમ એ જ પરમાત્માનું સ્વરૂપ છે.જ્યાં સુધી પરમાત્માની અપરોક્ષાનુભૂતિ કરવામાં ના આવે ત્યાં સુધી મનમાં વિશ્વાસ પેદા થતો નથી.જ્યાં સુધી વિશ્વાસ પેદા થતો નથી ત્યાં સુધી પ્રભુની સાથે પ્રેમ સંભવ નથી,પ્રેમ વિના ભક્તિ થઇ શકતી નથી અને ભક્તિ વિના ભવસાગર પાર કરી શકાતો નથી અને જેમને પ્રભુની અપરોક્ષાનુભૂતિ કરી હોય એવા ગુરૂ વિના ભક્તિ સંભવ નથી.ભગવાને ગીતા(૧૮/૬૫)માં કહ્યું છે કે તૂં મારો ભક્ત બની જા,મારામાં મનવાળો બની જા,મારૂં પૂજન કર અને મને નમસ્કાર કર,આમ કરવાથી તૂં મને જ પામીશ તેમાં શંકા નથી. તો પછી કોના ભક્ત બનવાનું? એટલે ભક્તિની શરૂઆત ભગવાનને જાણ્યા પછી થાય છે અને તેની વિધિ બતાવતાં ભગવાન (૪/૩૪) કહે છે કે તમામ કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે એ જ્ઞાનને તૂં તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઇને જાણી લે,એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી,એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળભાવે પ્રશ્ન પૂછવાથી ૫રમાત્માતત્વને બરાબર ઓળખનારાએ જ્ઞાની મહાત્માજનો તને એ તત્વજ્ઞાનનો ઉ૫દેશ આ૫શે.જ્ઞાનના આ માધ્યમથી તું તમામ ભૂતોમાં નિઃશેષભાવથી ૫હેલાં પોતાનામાં અને ૫છી મારા નિર્ગુણ નિરાકાર સ્વરૂ૫માં જોઇશ.
કાર્યક્રમના આયોજક અને હાલમાં અમેરીકા રહેતા શ્રી ભરતભાઇ દરજીએ આભાર વિધિ કરતાં કહ્યું હતું કે સંતકૃપાથી વિરાટ પ્રભુ પરમાત્માના દર્શન થયા ત્યારથી જીવનમાં આનંદ આવ્યો છે.પાત્રતા કેળવીએ તો સાચા સંત સામેથી મળે છે.પ્રભુએ આપેલ ચીજોનો ઉપભોગ નહી ઉપયોગ કરીએ.ભક્તિમાં પરમાત્માને ફક્ત માનવાથી કામ ચાલતું નથી.માનવું એ કલ્પના હોય છે,અસત્ય હોય છે અને જાણવું એ જ્ઞાન હોય છે,વાસ્તવિકતા હોય છે.
વ્યાસપીઠ ઉપરથી વિચારો વ્યક્ત કરતાં મહા.એ કહ્યું હતું કે વિજળીના ચમકારા જેવા ક્ષણિક જીવનમાં ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂના શરણમાં જઇ એક પ્રભુ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી આલોક અને પરલોક સુખી બનાવીએ.ગુરૂ પાસેથી જ્ઞાન લઇ પ્રભુ પરમાત્માનાં કણકણમાં દર્શન કરવાના છે. અંધકારમાંથી પ્રકાશમાં લાવે,જે આત્મિક અજ્ઞાનતાને દૂર કરી આત્મિક બોધ,સ્વંયમનું જ્ઞાન કરાવે તેમને સદગુરૂ કહેવામાં આવે છે.ધર્મ તો અ૫નાવવાનું નામ છે,પડતાને ઉઠાવવાનું નામ છે,ધર્મ તો બીજાને બચાવવા માટે પોતે પોતાને સમર્પિત કરવાનું નામ છે, ધર્મ અનેક નથી, ધર્મ એક જ છે કે પોતાના સ્વામી એક પરબ્રહ્મ ૫રમાત્મા કે જે નિર્ગુણ નિરાકાર અવ્યક્ત છે તેમને જાણવા અને માનવમાત્રમાં તેમનું જ દર્શન કરવું.જેની ભક્તિ કરીએ,જેની પૂજા કરીએ છીએ તેનું જ્ઞાન જરૂરી છે.
પ્રેસનોંટ આપનારઃ વિનોદભાઇ માછી નિરંકારી