અમદાવાદ એરપોર્ટ પર ગત સપ્તાહે એર ઇન્ડિયાની ફલાઇટમાં હાર્ડ લેન્ડિંગની ઘટના સામે આવી હતી. વિમાન લેન્ડિંગ કરતી વખતે તેના જરૂરી ફોર્સ કરતા રન-વે પર પછડાયું હતું. વિમાન એટલું જોરથી રન-વે પર પછડાયું હતું કે કોકપીટની સિસ્ટમમાં એરર આવી ગઇ હતી, આ સાથે વિમાનમાં સવાર 156 પેસેન્જરો પર રીતસરનો ઝાટતો લાગતા ગભરાઇ ગયા હતા. આ ઘટનાને લઇ એટીસીને રિપોર્ટ કરાયો છે. આ સાથે ડીજીસીએ પણ તપાસના આદેશ આપ્યા છે.
અમદાવાદ એરપોર્ટ પર 15મેના રોજ એર ઇન્ડિયા (AI 655)ની મુંબઇ-રાજકોટની ફલાઇટ વરસાદના કારણે સાંજે 5.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર ડાઇવર્ટ કરવાની ફરજ પડી હતી, વિમાન ફાઇનલ એપ્રોચ કરી પાયલોટે હાર્ડ લેન્ડિંગ કર્યું હતું. એરલાઈન્સે તમામ મુસાફરોનેે બાય રોડ રાજકોટ પહોંચાડ્યા હતા.
એરક્રાફ્ટ રિપેર કરવામાં પાંચ કલાક લાગ્યા હતા
હાર્ડ લેન્ડિગથી સિસ્ટમ એરર આવતા એર ઇન્ડિયાને વિમાન સપ્લાય કરતી એરબસને મેઇલ કરાયો હતો. કેમ કે આ સેક્ટર પર ઓપરેટ થયેલું વિમાન A-320 એરબસ કંપનીનું હતું. એરબસ કંપનીએ સોફટવેરની મદદથી એરર દૂર કરી હતી આ પ્રક્રિયામાં અમદાવાદ એરપોર્ટ પર એરલાઇનના ટેકનિશિયનોને એરક્રાફ્ટ રિપેર કરવામાં પાંચ કલાક લાગ્યા હતા.
ઈમરજન્સીની સ્થિતિમાં હાર્ડ લેન્ડિંગ કરવું પડે છે
એરક્રાફ્ટ સામાન્ય લેન્ડિંગ કરતા વધારે ગતિ અને બળ સાથે જમીન પર ઉતરે ત્યારે તેને હાર્ડ લેન્ડિંગ કર્યું તેમ કહેવાય છે. હાર્ડ લેન્ડિંગનો ક્યારેય ઈરાદો હોતો નથી અને જો કોઈ એરક્રાફ્ટનું હાર્ડ લેન્ડિંગ થયું હોય તો તેને ફરીથી ઉડાતતા પહેલા નુકશાન માટે તેની ચકાસણી કરવામાં આવે છે,
મુસાફરો અને સ્ટાફની સલામતીને પ્રાથમિકતા
એરઈન્ડિયામાં નિયમનકારી સંસ્થાઓ દ્વારા નિર્ધારિત તમામ પ્રકારના પ્રોટોકોલ્સ અને માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવેે છે. અમારા મુસાફરો અને સ્ટાફની સલામતીએ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. > એર ઈન્ડિયા

