Gujarat

ભરૂચ ડમ્પીંગ સાઈટ બંધ રહેતા લોકો જાહેર માર્ગ પર કચરો નાંખવા મજબૂર : રોગચાળો ફેલાવાની દહેશત

 કેટલેક ઠેકાણે તો કચરાપેટીઓ પણ ગાયબ થઈ ગઈ
ભરૂચમાં તાજેતરમાં વરસેલ વરસાદના કારણે ભરૂચ શહેર અને જિલ્લામાં ઠેર-ઠેર પાણી ભરાયાં હોવાથી ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ પર વાહનો ન પહોંચી શકતા ભરૂચ નગપાલિકા ધ્વારા હાલમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાનું બંધ કરતાં ભરૂચ શહેરના નગરજનો માટે કચરો નાખવાની મોટી સમસ્યા સર્જાઈ છે. મજબૂરીમાં લોકો જાહેર માર્ગ ઉપર કચરો ઠલવવા મટે મજબૂર બન્યા છે જેથી ભરૂચના રસ્તાઓ જાહેર માર્ગ ઉપર ગંદકીનું સામ્રાજ્ય સ્થપાઈ રહ્યું છે.
જો ઝડપથી નગરપાલીકા કચેરી દ્વારા આ સમસ્યાનો હલ શોધવામાં નહિ આવે તો ગંદકીના કચરો ભરૂચમાં રોગચાળો ફેલાય તેવી દહેશત નગરજનો સેવી રહ્યા છે અને સાથો-સાથ શહેર અને જિલ્લા વહીવટી તંત્ર સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવે તેવી આશા વ્યકત કરી રહ્યા છે.
ભરૂચના કેટલાક સ્થળોએતો કચરાપેટીઓ જ ગાયબ થયેલી દેખાય છે. ભરૂચના ગામડાઓમાં પણ ગ્રામ પંચાયત દ્વારા કચરાપેટીઓ મુકવામાં આવતી નથી અને કચરો ઉઘરાવવામાં પણ નથી આવતો. જેથી લોકો માર્ગોની સાઈડમાં કચરો ફેંકી રહ્યા છે. તેને પણ પંચાયત તરફથી રૂા.૧૦,૦૦૦નો દંડ કરવાની ચીમકીઓ આપવામાં આવી રહી છે. જેથી ભરૂચની આસપાસના ગામના લોકો પણ અવઢવમાં મુકાયા છે.