૨જી ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે
‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા પંચાયત ખાતેથી સાંસદ જશુભાઈ રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન હતું,
તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનું પણ સ્વચ્છ ભારતનું સપનું છે. જેને સાકાર કરવા નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને મહાત્મા ગાંધીજીના જન્મદિવસ વચ્ચેના ૧૫ દિવસના સમયગાળાને ‘સ્વચ્છતા પખવાડિયા’ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે સૌને જાળવવા અપીલ કરી હતી.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું કે, દેશની સ્વચ્છ બનાવવા માટે સૌપ્રથમ આપણા ઘર-આંગણાથી જ શરૂઆત કરીએ જો આપણું ઘર અને આંગણું સ્વચ્છ હશે, તો શેરી, ગામ, જિલ્લો બધું જ સ્વચ્છ થઈ જશે. તેમને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ પ્રસંગિક ઉદબોધન કર્યું હતું. ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ ના સંદેશ ઉજાગર કરવા મહાનુભાવોને ખાદીની બેગ આપવામાં આવી હતી. સ્વચ્છતા કર્મીઓને પણ ખાદીની બેગ આપી સન્માનિત કરાયા હતા. ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અંગેના શપથ લીધા હતા. મહાનુભાવોના હસ્તે છોટાઉદેપુર નગરપાલિકાના ૨ ‘ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાન’ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભગત, પ્રાંત અધિકારી વિમલ બારોટ, નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિક બરજોડ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન રાઠવા, અગ્રણીઓ, પદાધિકારીઓ તેમજ જિલ્લા પંચાયતની તમામ શાખાઓના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર