નાલેજ ખાતે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત એક દિવસીય વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત પાંચ જૂન, વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને લોકોને માતાના નામનું વૃક્ષ વાવવા માટે આહ્વાન કર્યું હતું. જેની પાછળનો ઉદ્દેશ સમગ્ર દેશને હરિયાળો બનાવીને પ્રદુષણ સામે લડવાનો છે. આ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના નાલેજ ખાતે સાંસદ શ્રી જશુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વન વિભાગ દ્વારા એક દિવસીય વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે સાંસદ જશુભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગ સામે લડવાની વડાપ્રધાનની નેમને સાર્થક કરવા તેમના જન્મદિવસ નિમિત્તે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના લોકોએ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કર્યું છે. તેમણે લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવીને ઉછેરવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, નાયબ વન સંરક્ષક વી.એમ. દેસાઈ, આરએફઓ નિરંજન રાઠવા,વન વિભાગના અધિકારી-કર્મચારીઓ, અગ્રણીઓ દ્વારા મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર