Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં 64 હજાર હેકટર માંથી 52 હજાર હેકટરમાં કપાસનું વાવેતર કરાયું છે.

છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ તથા આ જ સપ્તાહમાં વાવેતર વિસ્તાર વધ્યો છે. ત્યારે જિલ્લામાં અત્યાર સુધી કુલ 34.89 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે. સૌથી વધુ વાવેતર રોકડિયા પાક ગણાતા કપાસનું થયું છે. 52333 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. સૌથી વધુ વાવેતર કવાંટ તાલુકામાં તો સૌથી ઓછું છોટાઉદેપુર તાલુકામાં થયું છે.
ચોમાસાનો વિધિવત આરંભ થઈ ગયો છે. ખેડૂતો ખેતી કામમાં જોતરાઈ ગયા છે. જિલ્લામાં ખેડૂતો વાવણી પણ પૂરજોશમાં કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં મહત્વનો પાક કપાસનો ગણાય છે. જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. હાલમાં પણ છોટાઉદેપુર જિલ્લામાં જે વાવેતર થયું છે એમાં કપાસનું વાવેતર સૌથી વધારે થયું છે.
છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાના અધિકારીના જણાવ્યા મુજબ જિલ્લામાં કુલ વાવેતર જે અત્યાર સુધી થયું છે એ 64108 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. સૌથી વધુ વાવેતર કવાંટ તાલુકામાં 12434હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. સંખેડા તાલુકામાં જે પણ વાવેતર થયું છે. એમાં સૌથી વધુ વાવેતર કપાસનું થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાનું સંખેડા અને બોડેલી એ કપાસની આવકનું સૌથી મોટું સેન્ટર ગણાય છે. જૈને કારણે આ વિસ્તારમાં કપાસનું વાવેતર સૌથી વધારે થતું હોય છે.
ખેડૂતો માટે કપાસ એ રોકડીયો પાક ગણાય છે અને એને કારણે ખેડૂતો કપાસનું વાવેતર કરવા માટે આકર્ષાતા હોય છે. કપાસ ઉપરાંત આ વિસ્તારમાં ડાંગર, મકાઈ, તુવેર ઉપરાંત સોયાબીન જેવા પાકોનું વાવેતર પણ થયેલું છે. ખેડૂતો દ્વારા શાકભાજીનું વાવેતર પણ મોટા પ્રમાણમાં કરાતું હોય છે. કેટલાક ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરતા હોય છે. તેઓ ઘાસચારાનું પણ વાવેતર કરતા હોય છે. બાગાયત પાક ગણાતા કેળાનું વાવેતર પણ હાલમાં શરૂ થઈ ગયું છે. જિલ્લાનો કુલ વાવેતર વિસ્તાર 183724 હૈકટર છે. જેમાંથી 64108 હેકટર એટલે કે 30.89 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે.