Gujarat

સરકારી હૅલિકોપ્ટર હોવા છતાં કલાકના 4.80 લાખના ભાડે બીજું લીધું, 2 કરોડ ચૂકવી પણ દીધા

ગુજસેલના પૂર્વ સીઈઓ કૅપ્ટન અજય ચૌહાણનાં કૌભાંડો બાદ સરકારે નવા સીઈઓ તરીકે પારૂલ મનસતાને ચાર્જ સોંપ્યો હતો. હવે સરકારે મનસતાને શુક્રવારે રાતોરાત હટાવી દીધાં છે. બદલી અટકાવવા તેઓ મુખ્યમંત્રી કચેરીમાં ભલામણ માટે પહોંચી ગયાં હતાં ત્યારે બીજા દિવસે શનિવારે સરકારે ટુરિઝમ અને સિવિલ એવિએશનના અગ્રસચિવ હારિત શુક્લાની પણ મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે બદલી કરી નાખી હતી.

આ સમાચારોથી સચિવાલયમાં સોપો પડી ગયો છે. ગુજસેલના નવા સીઈઓના ચાર્જ તરીકે અમદાવાદના ડૅપ્યુટી કલેક્ટર (પ્રોટોકોલ) વિજય અંતિયાની નિમણૂક કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, ચૂંટણી બાદ સરકારી હૅલિકોપ્ટર હોવા છતાં પણ ઊંચા ભાવે બીજું હૅલિકોપ્ટર ભાડે કરી સરકારને કરોડોનો ચૂનો ચોપડ્યો હતો જેના કારણે ગુજસેલનું સીઈઓ પદ પારૂલ મનસતા પાસેથી છીનવી લેવાયું છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે સીએમ અને રાજ્યપાલને અનેક વખત સરકારી હૅલિકોપ્ટર અને વિમાન ન મળવાની ઘટનાઓ બહાર આવી હતી. જો વિમાન કે હૅલિકોપ્ટર હોય તો કૅપ્ટન ન હોય તેવી ગંભીર બેદરકારીના કારણે સરકારે બદલી કરી હોવાનું ચર્ચાય છે. હજુ પણ ગુજસેલમાં કેટલાક નિવૃત્ત અધિકારીઓ છે તેમની પર પણ લટકતી તલવાર હોવાનું ચર્ચાય છે.