Gujarat

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઝાડા-ઉલટી અને કોલેરાના કેસો વધ્યા, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ

અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળો બેકાબૂ બની ગયો છે. પ્રદૂષિત પાણીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. જૂન મહિનામાં શહેરમાં કોલેરાના કેસો વધ્યા છે. કોલેરાની સાથે દિન-પ્રતિદિન ઝાડા-ઉલટીના કેસો પણ નોંધાઈ રહ્યા છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં બહેરામપુરા, દરિયાપુર, અમરાઈવાડી, દાણીલીમડા, વટવા, લાંભા, રખિયાલ, ગોમતીપુર, મણીનગર, ઓઢવ વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં રોગચાળો વધુ ફેલાયો છે. જૂન મહિનામાં 148 પાણીના સેમ્પલો ફેઇલ આવ્યા છે. જેથી ઝાડા ઉલટી, કમળા, કોલેરા અને ટાઈફોઈડના કેસો વધ્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, ચાલુ જૂન મહિનામાં ઝાડા-ઉલટીના 1448, કમળાના 293, ટાઈફોઈડના 675 અને કોલેરાના 51 કેસ નોંધાયા છે. જયારે સાદા મેલેરિયાના 30 અને ડેન્ગ્યુના 27 કેસ નોંધાયા છે.

5543 પાણીના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તે પૈકી 148 પાણીના સેમ્પલ અનફીટ આવ્યા છે. જ્યાં પણ પાણી આવતું હોય ત્યાં એન્જિનિયરિંગ વિભાગને જાણ કરીને લાઈનો બદલવા માટે સૂચના આપવામાં આવી છે. કલોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

જોકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જે કેસોના આંકડા આપવામાં આવી રહ્યા છે તે અને શહેરમાં દિન-પ્રતિદિન સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં જે રીતે દર્દીઓ વધી રહ્યા છે તેમાં વિસંગતતા જોવા મળી રહી છે.

આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા રોગચાળો શહેરમાં વકરી રહ્યો છે, તેને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય એવું જણાય છે. માત્ર આંકડાઓનો ખેલ ચાલી રહ્યો હોય એવું સ્પષ્ટ લાગે છે પરંતુ, હકીકતમાં રોગચાળો વધ્યો છે.