Gujarat

2 હજાર સોસાયટીઓમાં ઇકો ફ્રેન્ડલી હોળી થશે, 10 સંસ્થા વૈદિક હોળીની કિટ ઘરે-ઘરે પહોંચાડશે

પર્યાવરણની જાળવણી માટે હોળી પર્વમાં 2 હજાર જેટલી સોસાયટીઓમાં વૈદિક હોળીનું આયોજન કરવામાં આવશે. જે માટે વડોદરા, નળિયાદ અને ખેડા જિલ્લામાં આવેલી 15 જેટલી ગૌશાળામાંથી 50 ટનથી વધુ ગૌકાષ્ટનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે શહેરની 10 જેટલી સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા વૈદિક હોળી માટે કિટ બનાવવામાં પણ આવી છે.

જ્યારે માનવ પ્રકૃતિ કેન્દ્ર દ્વારા બુધવારે વાઘોડિયા રીંગરોડ પર આવેલા વડીલધામ વિસામો ખાતે ઈકો ફ્રેન્ડલી હોળીનું આયોજન કરીને વૃક્ષ બચાવો અને છાણીની હોળી પ્રગટાવોનો સંદેશો આપ્યો હતો.

માનવ પ્રકૃતિ કેન્દ્ર અને વડિલધામ સેવા ગૃપ, રોટરી ક્લબ, ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ સહિતની સંસ્થાઓ તેમજ મનોજ યાદવ અને શ્રુતી સિંહ યાદવ દ્વારા ઘરે ઘરે વૈદિક હોળીની કીટ આપવામાં આવશે. દંપત્તી દ્વારા 500 કિટ ચાલુ વર્ષે ઘરે ઘરે પહોચાડવામાં આવશે.

આ હોળી કીટમાં દેશી ગાયનું 121 કિલો ગાયનું છાણ, 500 મિલી શુદ્ધ ઘી, એક લિટર ઔષધિ તેલ, હવન સમગરી, ગુગલ, કપૂર, સાત પ્રકારના ધાન, ઘાસના બંડલ, સમિધા, અને નાળિયેરનો સમાવેશ થાય છે.

સંસ્થાઓના જણાવ્યા અનુસાર, 150 કિલો ગૌકાષ્ઠની વૈદિક હોળી અંદાજે 3 કલાક પ્રગટી શકે છે. જ્યારે ઘાસના પૂળા કે ગૌકાષ્ટથી હોળી કરવાથી વાતાવરણમાં રહેલા હાનિકારક કિટાણુ તેમજ બેક્ટેરિયાનો નાશ થતો હોય છે. જ્યારે ઘરમાં પણ વૈષ્વદેવ કરવાથી વૈદિક હોળીનું જ ફળ મળતું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.

5 હજારથી વધુ સ્થળો પર હોલિકા દહનમાં 80 હજાર કિલો લાકડું હોમાય છે

શહેરમાં 5 હજારથી વધુ સ્થળો પર હોલીકા દહન કરવામાં આવે છે. જેમાં 80 હજાર કિલો લાકડું હોમી દેવામાં આવે છે. વનવિભાગના મતે 1 ઝાડમાંથી ઓછામાં ઓછું 300 કિલો લાકડું નીકળે છે. જો શહેરમાં દરેક નાગરીક ઈકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવે તો 300 ઝાડ કપાતા બચી શકે છે.