Gujarat

સલાયાના વયોવૃદ્ધ વહાણવટી સાથે રૂપિયા 44 લાખની છેતરપિંડી

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એક વયોવૃદ્ધ આસામી સાથે તેમના નામે ખોટી સહીઓ કરી અને વિવિધ પ્રકારે રૂપિયા 44 લાખ જેટલી રોકડ રકમની છેતરપિંડી કરવા સબબ સલાયાના રહીશ એવા વિપ્ર શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણ અંગે સલાયામાં જૂની પોસ્ટ ઓફિસ પાસે રહેતા અને વહાણવટી વ્યવસાય સાથે સંકળાયેલા હાજીજુનભાઈ હાજીમુસાભાઈ ગજ્જણ નામના 73 વર્ષના મુસ્લિમ આસામી દ્વારા સલાયા મરીન પોલીસ મથકમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ તેમની નાણાકીય બાબતો અંગેના વ્યવહારો સંભાળતા સલાયામાં જૂની પોસ્ટ ઓફિસ સામે રહેતા વિશાલ નવીનચંદ્ર કિરતસાતા નામના શખ્સ દ્વારા ફરિયાદી હાજી જુનસભાઈના વહાણોના તમામ વહીવટી તથા નાણાકીય લેવડદેવડનું કામ પણ કરતા હતા.

ત્યારે વર્ષ 2020થી 2023 વચ્ચેના સમયગાળા દરમિયાન ફરિયાદી હાજી જુનસભાઈ હાજીમુસાભાઈ ગજ્જણ તથા તેમના ઘરના અન્ય પરિવારના સભ્યોના અલગ અલગ ખાતાઓ તેમણે જોઈન્ટ એકાઉન્ટમાં ખોલાવ્યા હતા. આ એકાઉન્ટમાં ઉપરોક્ત ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન છૂટક છૂટક આપવામાં આવેલી રોકડ રકમ તેમની જાણ બહાર તેમની સહીઓ કરીને કે કોઈપણ અન્ય રીતે આરોપી વિશાલ દ્વારા રોકડ રકમ ઉપાડી અને તેમના જુદા જુદા 73 એકાઉન્ટ પૈકી 13 ખાતાઓની પાસબુકમાં પોતાની જાતે બોલપેનથી કુલ રૂપિયા 26,43,452 જમા થયા બાબતેની તેમજ અન્ય રૂપિયા 17,51,485 ઉપાડી લીધા હતા.

આમ, આરોપી વિશાલ તેમજ સંભવિત રીતે સંડોવાયેલા મનાતા અન્ય શખ્સો દ્વારા કુલ રૂપિયા 43,94,937 ની રોકડ રકમ આરોપીએ પોતાની જાતેથી બોલપેનથી ખોટી એન્ટ્રીઓ પાસબુકમાં લખી અને ફરિયાદી હાજીજુનસભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે સલાયા મરીન પોલીસે આઈપીસી કલમ 465, 467, 468, 471, 406 તથા 420 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. વી.એન. સિંગરખીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.