ગાંધીનગર જિલ્લાનાં પ્રભારી સચિવ પી. સ્વરૂપના અધ્યક્ષ સ્થાને જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર મેહુલ દવે સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રભારી સચિવે સ્વાગત ઓનલાઇન, જનસેવા કેન્દ્રો અને વિવિધ ફલેગશીપ યોજનાઓની કામગીરીનો રિપૉર્ટ માંગી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યા હતા.
ગાંધીનગર જિલ્લા પ્રભારી સચિવ પી. સ્વરૂપે દર માસે આયોજિત થતાં જિલ્લા સ્વાગત ઓન લાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ થતા લોક પ્રશ્નો અને કેટલા પ્રશ્નનો હકારાત્મક ઉકેલ આવે છે, તેની સમીક્ષા કરી હતી. તેમણે જનસેવા કેન્દ્રોમાં અપાતી વિવિધ સેવાઓ અંગે સંબંધિત અધિકારી પાસેથી માહિતી પણ મેળવી હતી. તેમણે જનસેવા કેન્દ્રોની તમામ સેવાઓનો લાભ નાગરિકોને નિયત થયેલ સમય મર્યાદામાં મળી રહે તેની ખાસ તકેદારી રાખવા માટે જણાવ્યું હતું. જનસેવા કેન્દ્રમાં નાગરિકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટેની સુવિધા સંદર્ભે પણ વિસ્તૃત માહિતી મેળવી હતી.
પ્રભારી સચિવશ્રીએ જિલ્લામાં નાગરિકોને સરકારની ફલેગશીપ યોજનાઓના લાભ સાચા લાભાર્થીઓને સરળતાથી અને ઝડપી મળી રહે તે વાત પર ખાસ ભાર મુક્યો હતો અને એક પણ લાભાર્થી યોજનાકીય સહાયથી વંચિત રહે નહિ તેવી સ્થિતિનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો. જિલ્લા કલેકટર મેહુલ દવે જણાવ્યું હતું કે, ઓગસ્ટ માસ દરમ્યાન જિલ્લાના વર્ગ- 1ના અધિકારીઓ દ્વારા સમગ્ર જિલ્લાના ગામોની મુલાકાત લેવામાં આવશે. આ માટે જિલ્લાના તમામ વર્ગ- 1ના અધિકારીઓને અઠવાડિયામાં એક ગામ એમ મહિનાના ચાર ગામની મુલાકાત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મુલાકાત દરમ્યાન તેઓ ગ્રામજનો સાથે ચર્ચા- વિર્મશ કરીને ગામના પ્રશ્નો અને જરૂરી વિકાસ કામોની માહિતી મેળવશે. જેના આધારે વિકાસનો ભાવિ રોડ મેપ તૈયાર કરાશે.આ બેઠકમાં જિલ્લાના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.