Gujarat

જેતપુર વિધાનસભા મતદાર વિભાગના મતદાન મથકો અને ઇ.વી.એમ.કમિશનીંગ સ્થળની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર  ટી.એન.વેંકટેશ

૧૧ પોરબંદર સંસદીય મતવિસ્તારનાં તમામ ઝોનલ ઓફિસર્સની સંયુક્ત તાલીમમાં ઉપસ્થિત રહીને ઓબ્ઝર્વરશ્રીએ સૌને માર્ગદર્શન આપ્યું
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અનુસંધાને તા.૭ મે, ના રોજ મતદાન થનાર છે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન માટે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જે સંદર્ભે ૧૧ પોરબંદર સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર શ્રી ટી.એન.વેંકટેશ દ્વારા મતવિસ્તારમાં સમાવિષ્ટ ૭૪ – જેતપુર વિધાનસભા મતદાર વિભાગની મુલાકાત લેવામાં આવી હતી.
તેઓશ્રીએ જેતપુર તાલુકાનાં મોટા ગુંદાળા તેમજ મંડલીકપુર ગામનાં મતદાન મથકોની મુલાકાત લઈને વિવિધ સુવિધાઓ તેમજ વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી. જેતપુરમાં સે. ફ્રાન્સિસ સ્કુલ ખાતે ચાલી રહેલી ઇ.વી.એમ.કમિશનીંગ (પ્રિપેરેશન) પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. વધુમાં V.I.S (વોટર ઇન્ફોર્મેશન સ્લીપ)ના વિતરણ કામગીરી અંગેની સમીક્ષા કરી હતી. જેમાં મામલતદારશ્રી સર્વે એમ.એસ.ભેસાણીયા, શ્રી એમ.બી.પટોળીયા, શ્રી કે.બી.સાંગાણી તથા નાયબ મામલતદારશ્રી ટી.જે.પંચાસરા તથા બી.પી.બોરખતરીયાએ સાથે રહીને તેમને વિવિધ જાણકારી આપી હતી.
આ તકે ઓબ્ઝર્વરશ્રી જેતપુર ખાતે શ્રી બોસમીયા કોલેજમાં યોજાયેલ ૭૩-ગોંડલ, ૭૪-જેતપુર અને ૭૫-ધોરાજી વિધાનસભા મતદાર વિભાગનાં તમામ ઝોનલ ઓફિસર્સનાં સંયુક્ત તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી યોજાઈ તે સુનિશ્ચિત કરવા તથા હીટવેવ અનુસંધાને જરૂરી તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યું હતું.