Gujarat

જામજોધપુરમાં મોટી સંખ્યામાં રાજપૂતો રેલીમાં દોડી આવ્યાં, ‘ભાજપ હાય હાય’ના ઉગ્ર સુત્રોચાર કરતા યુવકોની અટકાયત

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજપૂત સમાજ દ્વારા ભાજપ સામેનો વિરોધ સતત વધી રહ્યો છે. રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલાની ટીપ્પણી બદલ ઠેર-ઠેર રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગતરોજ રાત્રિના જામનગરના જામજોધપુર ટાઉન વિસ્તારમાં ભાજપ દ્વારા જામનગરના ઉમેદવાર પૂનમ માડમની રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો દોડી આવ્યાં હતા અને ‘ભાજપ હાય હાય’ના ઉગ્ર સુત્રોચાર કર્યા હતા. જેથી પોલીસે અનેક યુવકોની અટકાયત કરી હતી.

યુવકોએ ભાજપ વિરૂદ્ધ ઉગ્ર સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું

જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમની જામજોધપુરમાં રેલી યોજાઈ હતી. જેમાં રાજપૂત સમાજના યુવકોએ ભાજપ વિરૂદ્ધ ઉગ્ર સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, રાજપૂત સમાજના યુવાનો સભા સ્થળે પહોંચે તે પહેલા તેઓની અટકાયત કરવામાં આવી હતી. જામજોધપુર ખાતે એલસીબી પોલીસ સહિત ડીવાયએસપી જયવીર સિંહ ઝાલા સહિતના અધિકારીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

‘ભાજપ હાય હાય’ના નારા લગાવ્યા

એક બાજુ લોકસભા ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે બીજી બાજુ રાજપૂત સમાજ દ્વારા ઠેર-ઠેર ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન જામજોધપુરમાં પૂનમ માડમના રોડ શો રૂટ પર રાજપૂત સમાજના યુવાનો દોડી આવ્યા હતા અને ‘ભાજપ હાય હાય’ના નારા લગાવ્યા હતા. જોકે, પોલીસે વિરોધ કરી રહેલા રાજપૂત સમાજના યુવાનોને અટકાવ્યાં હતા.

‘હાકલ કરે છે રાજપૂતાણી, ભાજપ તારાં વળતાં પાણી’

ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલા જામનગરમાં રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા રૂપાલા અને ભાજપ વિરૂદ્ધ ધરણાં યોજી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ પ્રતીક ઉપવાસ પર શરૂ કરવામાં આવ્યાં હતા. ત્યારે જામનગર ઉપરાંત રાજકોટમાં પણ રાજપૂત સમાજની મહિલાઓએ પ્રતીક ઉપવાસ શરૂ કર્યાં હતા. રાજપૂત સમાજની મહિલાઓએ હાથમાં પોસ્ટર રાખી સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. ‘હાકલ કરે છે રાજપૂતાણી, ભાજપ તારાં વળતાં પાણી’, ‘જય ભવાની ભાજપ જવાની’ સહિતનાં સૂત્રો સાથે રાજપૂત સમાજની મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો.