Gujarat

મોરબીમાં ખાનગી એજન્સીએ હાથ અદ્ધર કરતાં સિટી બસના પૈડાંને બ્રેક

મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં આવનજાવન માટે પાલિકા દ્વારા મુખ્ય મંત્રી શહેરી બસ સેવા યોજના હેઠળ સિટીબસ સેવા શરુ કરવામાં આવી હતી અને તેનું સંચાલન ગુરુકૃપા બસ સર્વિસ નામની ખાનગી એજન્સીને સોપ્યું હતું. ખુબ નજીવી રકમમાં સીટી બસ ચાલતી હોવાથી તમામ રૂટ પર મુસાફરો પૂરતા પ્રમાણમાં મળતા હતા.

મોરબી લજાઈ રૂટની બસ દિવસ દરમિયાન ઓવર પેસેન્જર સાથે જ દોડતી જોવા મળતી હતી, તેમ છતાં અગાઉ પણ બસ બંધ થવાની ઘટના બની જ હતી, જેમાં પાલિકા દ્વારા અગાઉ પેમેન્ટ ન મળવા કે સંચાલન પરવડતું ન હોવાના કારણ આપી બંધ કરી દેવાઈ હતી. જો કે બાદમાં ધારાસભ્યની દરમિયાનગીરીથી એક વર્ષ પહેલા ફરી એકવાર સીટી બસ સેવા શરુ કરવામાં આવી હતી. એક વર્ષ સુધી અલગ અલગ રૂટમાં 6 જેટલી બસ દોડી હતી.

જો કે ફરી એકવાર ગુરુકૃપા એજન્સીએ સંચાલન કરવાની ઘસીને ના પાડી દેતાં બસના પૈડા થંભી ગયા છે, જેના કારણે દૈનિક મુસાફરી કરતા મુસાફરો રઝળી પડ્યા હતા. અચાનક સેવા બંધ થતા મહિલા મુસાફરોની હાલત કફોડી બની હતી. જે બાદ પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણથી ત્રણ સીટી બસ સેવા શરુ કરવી પડી હતી.

જો કે દિવસ દરમીયાન અલગ અલગ વિસ્તામાં 6 જેટલી બસ અલગ અલગ રૂટ પર દોડતી હતી તેના બદલે માત્ર ત્રણ જ બસ દોડતી થતા મુસાફરોને નાછૂટકે રીક્ષા અને અન્ય ખાનગી વ્હીકલમાં જવાની ફરજ પડી હતી. હાલ જે એજન્સી દ્વારા બસનું સંચાલન કરવામાં આવે છે તે કોન્ટ્રાકટમાં મુકાયેલી શરતોનો ભંગ કરતા હોવાનું સામે આવતા તેને બે વખત નોટિસ આપી નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું.