Gujarat

રાજકોટમાં 8 મહિના પૂર્વે પોલીસના બોગસ ભરતી કૌભાંડમાં નકલી નિમણૂકપત્ર બનાવનાર 3ની ધરપકડ, સેટિંગ છે કહી 4-4 લાખ પડાવ્યા’તા

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ઓગસ્ટ 2023માં બોગસ કોલ લેટર આધારે પોલીસ ભરતીનું કૌભાંડ આચરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અન્ય વ્યક્તિનો નકલી નિમણૂકપત્ર લઈને ટ્રેનિંગમાં આવેલ શખસ સહિત 21થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

જ્યારે આ જ કૌભાંડમાં નકલી લેટર બનાવનાર ચોટીલાના ત્રણ શખસો છેલ્લા આઠ મહિનાથી નાસતા ફરતા હતા. જેની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

4-4 લાખ પડાવ્યા હોવાની માહિતી મળી હતી

રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર મહમદ શકીલ મકવાણાએ 22 ઓગસ્ટ 2023ના રોજ ક્રાઇમ બ્રાન્ચમાં બોગસ પોલીસ ભરતી કૌભાંડ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં બોગસ લેટર લઈને આવેલ જસદણના પ્રદીપ ભરત મકવાણા, તેના પિતા ભરત મકવાણા, ગાંધીનગર સેટિંગ હોવાનું કહી ફેઈલ થયેલા પ્રદીપને 4 લાખમાં ડાયરેક્ટ ટ્રેનિંગમાં હાજર થવાનું કહી પૈસા પડાવનાર ભાવેશ ગોબર મકવાણા અને બાલા ગોબર મકવાણાના નામો આપ્યા હતા. પોલીસે જે તે વખતે અન્ય વ્યક્તિનો લેટર લઈને ટ્રેનિંગમાં હાજર થયેલા પ્રદીપ તેમજ અન્ય બે વ્યક્તિની ધરપકડ કરી પુછપરછ કરતા 28થી વધુ શખસોને આ પ્રકારે બોગસ લેટર આપી 4-4 લાખ પડાવ્યા હોવાની માહિતી મળી હતી.

કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

આ પછી ચોટીલાના ભાઈ બહેન સહિત ચારની અને તે પછી ફેલ થઈ પૈસા દઈ લેટર મેળવનારા વધુ 14 જેટલા શખસોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે છેલ્લા 8 મહિનાથી નાસતા ફરતા આરોપીઓને દબોચી લેવાની સુચના આધારે ક્રાઇમ બ્રાન્ચ ટિમ દ્વારા ચોક્કસ બાતમી આધારે આ કૌભાંડમાં નકલી નિમણૂકપત્રો બનાવનાર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ત્રંબોડા ગામના ચિરાગ રમેશભાઈ ઓળકીયા (ઉં.વ.23), ચોટીલાના કુંઢડાના અક્ષય વાઘાભાઈ રાઠોડ (ઉં.વ.22) અને વિક્રમ હરજીભાઈ રાઠોડ (ઉં.વ.29)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.