Gujarat

અટલ સરોવર નિહાળવા લોકો પાસેથી રૂ.25 ઉલેચી લેવાશે

રાજકોટ શહેરના સ્માર્ટ સિટી વિસ્તારમાં અટલ સરોવર એક નવા આકર્ષણ તરીકે ઊભરી આવ્યું છે. આ વિસ્તારને પહેલાથી જ નવા રેસકોર્સ તરીકે ગણવામાં આવી રહ્યું છે. સરોવરમાં હજુ કામ બાકી છે પણ તંત્રએ માર્ચમાં લોકાર્પણ કરીને ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1 મેથી લોકો માટે ખુલ્લું મુકવાની જાહેરાત કરી હતી.

અટલ સરોવર બુધવારે ખુલ્લું મુકાશે. રાજકોટની મધ્યે આવેલા રેસકોર્સમાં લોકો ટહેલવું પસંદ કરે છે આસપાસના બગીચાઓ, ક્રીડાંગણો શહેરવાસીઓ માટે સૌથી લોકપ્રિય છે અને મનપા ત્યાં કોઇ ચાર્જ લેતી નથી.

જોકે હવે નવા રેસકોર્સ એટલે કે અટલ સરોવરમાં પ્રવેશવા માટે ચાર્જ દેવો પડશે. બાળકોની 10 રૂપિયા ટિકિટ જ્યારે વયસ્કોની 25 રૂપિયા ટિકિટ લેવામાં આવશે.

અટલ સરોવર બનાવવા માટે 136 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે આ કામ ક્યુબ કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યું હતું. જે કામગીરીમાં મુદત વીતી જવા છતાં હજુ કામ પૂર્ણ નથી થયું. બુધવારે લોકો માટે ખુલ્લું મુકાશે ત્યારે પણ કામ ચાલુ જ રહેશે. જોકે લોકોને એ રાહત છે કે હવે આખરે નવા રેસકોર્સ અને તળાવના કાંઠે તેઓને ફરવા મળશે પણ તે માટે પૈસા આપવા પડશે.

ક્યુબ કન્સ્ટ્રક્શનને આ બાંધકામ ઉપરાંત 15 વર્ષ તેનું સંચાલન તેમજ મેન્ટેનન્સની જવાબદારી અપાઈ છે. આ માટે તેમને લોકો પાસેથી ટિકિટ લેવાની સત્તા અપાઈ છે. આ ટિકિટ ઉપરાંત સરોવરની અંદર અન્ય જે સુવિધાઓ છે જેમ કે ચકડોળ, ફાઉન્ટેન, ટોયટ્રેન સહિતની સુવિધાઓ માટે પણ અલગ અલગ ટિકિટનો ખર્ચ કરવો પડશે.

આ રીતે જોતા મનપાએ અટલ સરોવરને ખાનગી એમ્યુઝમેન્ટ પાર્ક બનાવી દીધું છે. રાજકોટના લોકો ફરવાના શોખીન છે એટલે અટલ સરોવરે ભીડ થશે અને તેની આવક સીધી કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં જશે.

જ્યારે પ્રીમિયમની બાંધેલી રકમ મનપાને દર વર્ષે આપવાની રહેશે જે પ્રથમ પાંચ વર્ષ માટે વાર્ષિક 50 લાખ, બીજા પાંચ વર્ષ માટે વાર્ષિક 70 લાખ અને ત્યારબાદ અંતિમ પાંચ વર્ષ માટે પ્રતિવર્ષ 80 લાખ રૂપિયા મનપાને આપશે.

જન્માષ્ટમીએ રાજકોટવાસીઓ હરવા ફરવા ખૂબ જાય છે. ખોટમાં પડેલા ઈશ્વરિયા પાર્કમાં પણ માનવ મહેરામણ હોય છે. જ્યારે ઝૂમાં હકડેઠઠ મેદની હોય છે. અટલ સરોવર નવું હોવાથી સાતમ આઠમના તહેવારોમાં જ બે લાખથી વધુ મુલાકાતીઓ આવે તેવી શક્યતા છે તેથી આ જ તહેવારમાં પ્રીમિયમની રકમ નીકળી જશે. ત્યારબાદ દિવાળી અને અન્ય રજાઓમાં જે મુલાકાતીઓ આવશે તે એજન્સીનો ચોખ્ખો નફો થશે.