Gujarat

જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા સ્ટેજ પરથી વિવાદિત નિવેદન બાદ માફી માંગ્યાનો વિડીયો વાઈરલ

રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદનનો વિવાદ હજુ સુધી શાંત નથી થયો, ત્યારે વધુ એક ભાજપના પાટીદાર નેતાએ રાજા અને પટરાણીઓ પર નિવેદન આપતા રાજકીય માહોલ ગરમાયો છે. વિસાવદરમાં ભાજપની સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે બફાટ કરતા કહ્યું કે, ‘પહેલાં રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય કે લંગડી હોય પણ એની કૂખેથી જન્મેલો દીકરો રાજા બનતો હતો’, ‘પણ હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે’. આ નિવેદનનો વીડિયો વાઇરલ થતાં જ કિરીટ પટેલનો પણ માફી માંગતો વીડિયો સામે આવ્યો છે..આ પહેલાં રૂપાલાએ પણ પોતાના નિવેદન બાદ ૩ વાર ક્ષત્રિય સમાજની માફી માંગી છે..ત્યારે એવું કહી શકાય કે, કોઈપણ વિવાદિત નિવેદન આપી માફી માંગવાનો નેતાઓનો સિલસિલો યથાવત્‌ છે.

જૂનાગઢ લોકસભા ચૂંટણીને લઈ વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા સ્ટેજ પરથી એક નિવેદન કરવામાં આવ્યું હતું. જેમાં કિરીટ પટેલે કહ્યું હતું કે, આજે વિસાવદર મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સૌ કોઈ અહીં ઉપસ્થિત થયા છે.

ત્યારે એક સમય એવો હતો કે, રાજાની પટરાણી હોય..લૂલી હોય..લંગડી હોય પરંતુ તેના કૂખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે. કિરીટ પટેલનો વિસાવદર ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાઇરલ થયા બાદ કિરીટ પટેલ દ્વારા બીજા દિવસે સવારે માફી માંગતો વીડિયો પણ સામે આવ્યો છે.