લાઘવિકા
એક નાનકડા નગરમાં ધનાઢ્ય પરીવારના મોભી ઉનાળાની સવારની આહ્લાદ્કતા સાથે ચા અને અખબારની મજા ઝૂલે હીચકતા હીચકતા માણી રહ્યા છે.ચારે તરફ ધમધમતા રસ્તાઓ પર અવાજના પડઘા ચો તરફ ફેલાઈ રહ્યા છે.સોસાયટીની સાંકડી પગદંડી પર પગરવ સ્પષ્ટ સંભળાય રહ્યો છે.છાપાના પાના બદલાની સાથે સમય પણ બદલી વાતાવરણ માં બદલાવ લાવી રહ્યો છે.એવે સમયે કાંખમાં નાનું બાળક તેડી એક સ્ત્રી માથે નવા વાસણનો ટોપલો મૂકી જૂના કપડાનાં બદલામાં વાસણ લેવા એવા સાદ સાથે આગળ જઈ રહી છે. સોસાયટીમાં ફરતાં ફરતાં ધનાઢ્ય પરીવારનાં મોભી જ્યાં ઝૂલે ઉનાળાની આહલાદકતા માણી રહ્યા છે ત્યાથી પસાર થાય છે.એ સમયે કાંખમાં તેડેલાં બાળકને તરસ લાગી હોય એટલે તરડાયેલા અવાજે માતાને ભૂ પીવાનો અણસાર આપે છે.આસપાસ માં અન્ય કોઈ સુખી પરીવાર ને ન નિહાળતા પેલાં ઝૂલે ઝૂલતા શેઠને ટહુકો કરે છે,શેઠ બાપા મારા બાળકને પાણી પીવું છે આપ તો સુખી અને દયાળુ છો જરા એકાદ લોટો પાણી આપશો ? ભગવાન તમારું ભલું કરશે.છાપામાં નજર ખૂંતેલી હોય તેમ ટૂંકો જવાબ સંભળાય છે. કોઈ માણસ હાજર નથી.જરા નિસાસા સાથે મા અને બાળક એક બીજા સામે જોતા ફરી વાસણ વાળી સ્ત્રીએ વાસણ વેચવાનો સૂર વહેતો કર્યો.નિર્દોષ બાળક શું વિચારે? મૌન સાથે ગરમી અકળાવતા ફરી માતા પાસે કરગરવાનું શરુ કર્યુ એટલે માતાએ આંખ બતાવી પણ બાળક ની આંખોનો અણસાર માં ઓળખી ગઈ અને તે જ શેરીએ થી પાછા ફરતાં ફરી પેલા ધનાઢ્ય પરીવાર ના મોભી નજરવગા થયા એટલે ફરી ડરામણા અવાજે શેઠ બાપા પાણીનો એક લોટો આપોને મારા દિકરાને બહૂ તરસ લાગી છે.એક શ્વાસે બોલી જવાયું.પણ છાપામાં પરોવાયેલ નજરે ફરી એ જ અવાજ સંભળાય છે.કોઈ માણસ હાજર નથી. એટલે સ્ત્રીના પગ તળેથી જમીન સરકી જાય છે.ભાંગેલ હ્રદયે ઉદાસીનતા સાથે એક ડગલું પાછું મૂકે છે એવે સમયે સ્ત્રીમાં રહેલ માણસાઈ ભર્યો માણસ બોલે છે કે શેઠ બાપા આપ પણ માણસ જ છો ને ?