ડેસરમાં એક શ્રમજીવી પરિવારના મોભીની અજાણ્યા હત્યારા દ્વારા કરપીણ હત્યા કરાતાં સમગ્ર તાલુકામાં ચકચાર મચી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ડેસરના મહાયા ટેકરા ખાતે રહેતા આધેડ વયના ભીખાભાઇ કાળુભાઇ પરમાર ઉંમર 50 વર્ષ પત્ની લીલાબેન, બે દીકરા રણજીત અને વનરાજ, દીકરી હીના અને બુઝુર્ગ માતા સાથે રહેતા હતા.
દીકરી હીનાના લગ્ન કાલોલના મેદાપુર ખાતે કરાયા છે. જ્યારે વનરાજ ગોધરાની પ્લાસ્ટિક કંપનીમાં નોકરી કરે છે. રણજીત પિતા સાથે રહી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ભીખાભાઇ છેલ્લા ત્રણ દિવસથી ઘરે નહીં આવતાં પરિવારે શોધખોળ આરંભી હતી. અગાઉ પણ નવા કેસરાના મુવાડાના ભરતભાઇ પરમારના ખેતરમાં ડાંગર કાપવા ગયા ત્યારે ત્રણ દિવસે ઘરે આવ્યા હતા. તા 10 નવેમ્બરે રાત્રે ભીખાભાઇ ઘરે આવ્યા હતા.
ત્યારબાદ સવારે તા.11મીએ આઠ વાગે મજૂરીએ જાઉં છું તેમ જણાવી ઘરેથી નીકળ્યા હતા. બીજા દિવસ સુધી નહીં આવતાં પરિવારે શોધખોળ આરંભી હતી. પરંતુ ક્યાંય પતો લાગ્યો ન હતો.
તા.14મીએ ગામની સીમમાં અવાવરુ જગ્યાએ બપોરે ત્રણ વાગ્યાના અરસામાં હિરૂ તલાવડી નજીક ખેતરના શેડા ઉપરથી પસાર થતી કેનાલના ઢાળિયામાંથી કોથળામાં પેક કરેલી ભીખા પરમારની અડધી લાશ મળી આવી હતી. પરિવારે તાત્કાલિક 100 નંબર ઉપર બનાવની જાણ કરતાં ડેસર પોલીસ દોડી આવી હતી.

