વિશ્વામિત્રીને સજીવન કરવા ગટરના પાણી નદીમાં ઠાલવતા 21 પૈકી 16 સ્પોટને બંધ કરાયા હોવાનો પાલિકા દાવો કરે છે. હરણી મોટનાથ રેસિડેન્સી પાસેનાં 5 હજારથી વધુ ઘરમાંથી રોજ 30 લાખ લિટર પાણી ડ્રેનેજ નેટવર્ક મારફતે સીધું વિશ્વામિત્રીમાં ઠલવાઈ રહ્યું છે. ડ્રેનેજ લાઈન બેસી જવાથી વોર્ડ કચેરી દ્વારા જ હંગામી ધોરણે આ કામગીરી કરાઈ છે.
વિશ્વામિત્રીમાં ઠલવાતા ડ્રેનેજના પાણીને રોકવા પગલાં લીધાં હોવાના પાલિકા દાવા કરે છે. પાલિકાએ 21 સ્થળ શોધ્યાં હતાં, જ્યાંથી રોજ ડ્રેનેજનું 7 કરોડ લિટર પાણી નદીમાં ઠલવાતું હતું. જે પૈકી 16 સ્થળ બંધ કરાયાં છે. જોકે હરણી મોટનાથ રેસિડેન્સી પાસે રાજેશ્વર હાર્મોની નજીકથી પસાર થતી વિશ્વામિત્રીમાં પાલિકા દ્વારા ડ્રેનેજ નેટવર્કથી સીધું પાણી છોડાય છે.
એક અંદાજ મુજબ રોજ હરણી રાજેશ્વર હાર્મોની નજીક નદીમાં 30 લાખ લિટર પાણી જઈ રહ્યું છે. વોર્ડ 3ના અધિકારીઓની દલીલ છે કે, પૂર બાદ રેસિડેન્સી ગ્રીનલેન્ડ તરફના રોડ પર ડ્રેનેજ લાઈન બેસી જવાથી પાણીનો નિકાલ કરવા હંગામી ધોરણે આ કામગીરી કરાઈ છે.
અન્ય આ 5 સ્થળેથી પણ ડ્રેનેજના પાણી વિશ્વામિત્રીમાં ઠલવાય છે
1. પરશુરામ નગર, અકોટા
2. હરણી રોડ, દરજીપુરા
3. કુંભારવાડા, સમા
4. પારસી અગિયારી, ભીમનાથ 5
. ભૂખી કાંસ, વડસર

