Gujarat

દેશના સૌથી પ્રખ્યાત સરકારી વકીલોમાંના એક, ઉજ્જવલ નિકમને ભાજપે ઉત્તર મધ્ય મુંબઈથી ટિકીટ આપી

ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ૧૫મી યાદી જાહેર કરી છે. ભાજપ દ્વારા પૂનમ મહાજનની ટિકિટ રદ કરી અને જ્યારે આતંકવાદી કસાબને ફાંસી અપાવનાર વકીલ ઉજ્જવલ નિકમને ઉત્તર મધ્ય મુંબઈથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ઉજ્જવલ નિકમ દેશના સૌથી પ્રખ્યાત સરકારી વકીલોમાંના એક છે, તેમણે આતંકવાદી અજમલ કસાબને ફાંસી, ૧૯૯૩ બોમ્બ વિસ્ફોટ, ગુલશન કુમાર હત્યા કેસ અને પ્રમોદ મહાજન હત્યા કેસ જેવા હાઈપ્રોફાઈલ કેસોમાં સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

પૂનમ મહાજનની વાત કરીએ તો તે ૨૦૦૬માં તેના પિતા પ્રમોદ મહાજનની હત્યા બાદ ભાજપમાં જોડાઈ હતી. ૨૦૦૯માં, તેણીએ ઘાટકોપર વેસ્ટમાંથી પહેલીવાર સાંસદની ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગઈ હતી. ૨૦૧૪માં તેમણે મુંબઈ ઉત્તર મધ્ય બેઠક પરથી કોંગ્રેસના પ્રિયા દત્તને હરાવ્યા હતા. તમને જણાવી દઈએ કે પૂનમ એક પ્રશિક્ષિત પાયલટ છે. તેણે અમેરિકાના ટેક્સાસથી તેની ટ્રેનિંગ લીધી છે. તેની પાસે ૩૦૦ કલાકનો ઉડાનનો અનુભવ છે. ૨૦૧૨ માં બ્રાઇટન સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટમાંથી બી.ટેક ડિગ્રી પૂર્ણ કરી.

મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા બેઠક પર કોઈપણ પક્ષનું વર્ચસ્વ નથી. અહીંથી ક્યારેક ભાજપ જીતી તો ક્યારેક કોંગ્રેસ જીતી. શિવસેના અને આરપીઆઈના ઉમેદવારો પણ અહીંથી જીતવામાં સફળ રહ્યા હતા. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પૂનમ મહાજન આ બેઠક પરથી જીત્યા હતા. તેમણે કોંગ્રેસ નેતા પ્રિયા દત્તને હરાવ્યા હતા. જ્યારે પૂનમ મહાજનને ૪,૮૬,૬૭૨ વોટ મળ્યા, જ્યારે પ્રિયા દત્તને ૩,૫૬,૬૬૭ વોટ મળ્યા.

૨૦૧૪માં મુંબઈ નોર્થ સેન્ટ્રલ સીટ પર બીજેપીની પૂનમ મહાજને જીત મેળવી હતી, જ્યારે ૨૦૦૯માં કોંગ્રેસમાંથી સુનીલ દત્તની પુત્રી પ્રિયા દત્ત જીતી હતી, પ્રિયા દત્તે બીજેપીના મહેશ રામ જેઠમલાણીને હરાવ્યા હતા. જ્યારે ૨૦૦૪માં આ બેઠક એકનાથ ગાયકવાડે, ૧૯૯૯માં શિવસેનાના મનોહર જોશી અને ૧૯૯૮માં આરપીઆઈના રામદાસ આઠવલેએ કબજે કરી હતી.
૧૯૯૬માં શિવસેનાના નારાયણ આઠવલે અને ૧૯૯૧માં કોંગ્રેસના શરદ દિઘે જીત્યા હતા.

૧૯૮૯માં શિવસેનાના વિદ્યાધર ગોખલેએ કાૅંગ્રેસના ઉમેદવારને ખૂબ જ ઓછા માજિર્નથી હરાવ્યા હતા, જ્યારે ૧૯૮૪માં કાૅંગ્રેસના શરદ દિઘે અહીંથી જીત્યા હતા. ૧૯૮૦માં જનતા પાર્ટીના પ્રમિલા મધુ દંડવતેએ કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા, જ્યારે ૧૯૭૭માં સી પી આઈ (એમ) ના અહિલ્યા રાંગેકર આ બેઠક પર જીત્યા હતા.