Gujarat

દામનગરમાં મુખ્ય માર્ગો પર સ્પીડબ્રેકરના અભાવે રાહદારીઓને અકસ્માતનો ભય

દામનગર બસ સ્ટેન્ડની બાજુમાં નગરપાલિકા કચેરી આવેલ છે. અહીં અટલ પાર્ક નજીક સ્પીડબ્રેકર નથી. જેના કારણે રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ઉપરાંત રેઢીયાર પશુઓના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય રહી છે. ત્યારે દામનગરમાં અકસ્માત અટકાવવા માટે સ્પીડ બ્રેકર મુકવા માંગણી ઉઠી છે.

દામનગરમાં અટલ પાર્ક નજીકથી દિવસમાં અનેક નાના- મોટા વાહનો પસાર થઈ રહ્યા છે. પરંતુ અહીં સ્પીડબ્રેકર નથી. કે પછી કોઇ દિશા સૂચક બોર્ડ પણ નથી. અહીંથી જુદા જુદા રસ્તાઓ જઈ રહ્યા છે. પરંતુ કોઈ અન્ય બોર્ડ પણ લગાડવામાં આવ્યું નથી. સ્પીડ બ્રેકરના અભાવે વાહન અકસ્માતની દહેશત ઉભી થઈ છે.

ઉપરાંત બસ સ્ટેન્ડ નજીક રેઢીયાર પશુઓ રસ્તામાં અડીંગો જમાવી બેઠા હોય છે. ત્યારે દામનગરના મુખ્ય રસ્તાઓ પર રાહદારીઓને અકસ્માતથી બચાવવા માટે રેઢીયાર પશુઓને હટાવી સ્પીડબ્રેકર મુકવા માંગણી ઉઠી છે.