Gujarat

જાંબુડા પાસેથી મસીતિયા-ઢીંચડાના બે શખ્સને રૂા. 2.85 લાખના એમડી ડ્રગ્સ સાથે SOGની ટીમે ઝડપી પાડ્યા

જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસૂખ ડેલુદ્વારા જામનગર શહેર જિલ્લામાં નશાખોરી રોકવા માટે ખાસ અભિયાન શરૂ કરાયું છે, તે અંતર્ગત SOG ની ટુકડી દ્વારા જામનગરમાં નશીલા પદાર્થ મેકેડ્રોન પાવડર નો જથ્થો લઈને રાજકોટથી જામનગર આવી રહેલા બે શખ્સોને અટકાયતમાં લઈ લેવાયા છે, અને તેઓ પાસેથી રૂપિયા 2.85 લાખની કિંમતનો મેફેડ્રોન પાવડર કબજે કરી લેવાયો છે. ઉપરોક્ત ડ્રગ્સ મુંબઈથી આયાત થયું હોવાનું કબુલ્યું હોવાથી મુંબઈના શખ્સને ફરાર જાહેર કરાયો છે.

જામનગરની SOG પોલીસના પી.આઈ. બી.એમ ચૌધરી, પી.એસ.આઈ. એલ.એમ.ઝેર અને તેમના સ્ટાફ દ્વારા ચોક્કસ બાતમીના આધારે જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર વોચ ગોઠવવામાં આવી હતી, અને રાજકોટ થી ખાનગી વાહન મારફતે બે શખ્સ નશીલા પદાર્થનો જથ્થો લઈને જાંબુડા પાટીયા પાસે ઉતરી રહ્યા છે, અને જામનગર તરફ આવી રહ્યા છે, તેવી બાતમીના આધારે વોચ ગોઠવી હતી.

જે દરમિયાન જાંબુડા પાટીયા પાસે બે શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવતાં તેઓને અટકાવ્યા હતા, અને બંનેના નામ પૂછ્યા હતા. જેમાં એકનું નામ નજીર હુશેન રફીકભાઈ ખફી અને પોતે મસીતિયા ગામનો રહેવાસી તેમજ બીજાનું નામ આમીન હુસેનભાઈ ખફી અને ઢીંચડા ગામનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું.

જે બંનેની તલાસી લેતાં તેઓ પાસેથી 23 ગ્રામ મેફેડ્રોન પાઉડરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે રૂપિયા 2,85,800 ની કિંમતને નશાકારક મેફેડ્રોન પાવડર કબજે કરી લઈ બંને સામે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.

જે બંનેની વધુ ચલાવવામાં આવી દરમીયાન બંને એ ઉપરોક્ત જથ્થો મુંબઈના સાહિલ મેમણ પાસેથી આયાત કરાયો હોવાનું કબુલ્યું હોવાથી મુંબઈના સાહિલ મેમણને ફરારી જાહેર કરાયો છે, અને તપાસનો દર મુંબઈ સુધી લંબાવાયો છે.