Gujarat

ઓલપાડની સાયણ પ્રાથમિક શાળામાં ઔષધિય વનસ્પતિ ઓળખ તથા જનરલ નોલેજ પાર્કનું વિશિષ્ટ નિર્માણ  

         ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સાયણ પ્રાથમિક શાળાનાં પટાંગણમાં ‘વનસ્પતિની ઓળખ અને ઉપયોગો’ દર્શાવતાં બોર્ડનું અનાવરણ તથા જનરલ નોલેજ પાર્કનાં ડેમોસ્ટ્રેશન અંતર્ગત એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન સુરત, નવસારી અને તાપી ડાયેટનાં પ્રાચાર્ય ડો.યોગેશભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. પ્રારંભે શાળાનાં ઇન્ચાર્જ આચાર્ય અનિલભાઈ રાઠોડે કાર્યક્રમની રૂપરેખા વર્ણવી ઉપસ્થિત મહાનુભવો એવાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, ડાયેટ સુરતનાં પ્રાધ્યાપક રશ્મિકાંતભાઈ પટેલ તથા ચિરાગભાઈ સેલર, બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશભાઈ પટેલ, ડાયટ નવસારીનાં નિવૃત્ત પ્રોફેસર  જીવણભાઈ રામાણી, સાયણ કેન્દ્રનાં સીઆરસી કો-ઓર્ડિનેટર મિતેશભાઈ પટેલ તથા સાયણ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં મુખ્યશિક્ષકોને શાબ્દિક આવકાર આપ્યો હતો.
 
         આ પ્રસંગે પ્રાચાર્ય ડો. યોગેશભાઈ પટેલે પોતાનાં ઉદબોધનમાં જણાવ્યું હતું કે સાંપ્રત સમયમાં એલોપેથીની સરખામણીએ આપણા વારસાગત આયુર્વેદને મહત્વ આપવું જરૂરી છે. તેમણે શાળાનાં બાળકોમાં વૃક્ષો અને તેની ઉપયોગીતા વિશે સમજ કેળવવા અનુરોધ કર્યો હતો. આ તકે તેમણે ગ્રીન કેમ્પસ ડેવલોપમેન્ટ હેતુ સમગ્ર શાળાનાં સ્ટાફગણની પ્રશંસા કરી હતી.
     નિવૃત્ત પ્રાધ્યાપક ડો.રામાણીએ શિક્ષકોને શાળાનાં સર્વાંગી વિકાસ માટે ખભેખભા મિલાવી કામ કરવા અનુરોધ કર્યો હતો. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે શાળાનાં ઉત્સાહી શિક્ષક અનિલભાઈ રાઠોડ તથા સમગ્ર શાળાની ટીમની ગ્રીન કેમ્પસ ડેવલોપમેન્ટની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં. બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશભાઈ પટેલે ડાયટનાં પ્રાચાર્યને સાયણ પ્રાથમિક શાળા એક મોડેલ સ્કૂલ બની ગઈ હોય, ભવિષ્યમાં આ શાળાને એક મોડેલ સ્કૂલ તરીકે ધ્યાનમાં લેવા નિર્દેશ કર્યો હતો.
           જોગાનુજોગ ડાયટનાં પ્રાધ્યાપક ચિરાગભાઈ સેલરે ડાયટની પરંપરા અનુસાર શાળાનાં ઇન્ચાર્જ આચાર્ય અનિલભાઈ રાઠોડનો જન્મદિવસ ઉજવ્યો હતો ત્યારે સમગ્ર વાતાવરણ જાણે ડાયટનાં વર્ગમાં તબદીલ થયુ હોય એવું પ્રતિત થવા પામ્યુ હતું. અંતમાં આભારવિધિ સાયણ કેન્દ્રનાં સીઆરસી કો-ઓર્ડિનેટર મિતેશભાઈ પટેલે આટોપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં ઉપશિક્ષકા મિરલબેન પટેલ તથા ચિંતનભાઈ પટેલે કર્યું હતું. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.