Gujarat

પ્રધાનમંત્રીના સભા સ્થળની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું, કેબિનેટમંત્રી રાઘવજી પટેલ સહિતના ભાજપના આગેવાનો સાથે મિટિંગ કરી

જામનગર શહેરમાં આગામી બીજી મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચૂંટણી સભા યોજાવાની છે. જેને લઇને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે સભા સ્થળની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. જેમની સાથે આઈજી અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડાપ્રેમસુખ ડેલું હાજર રહ્યા હતા.

જામનગરમાં આગામી તારીખ બે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણીની જાહેર સભા શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજવાની છે. જેને લઈને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિતના આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા સહિતના આગેવાનોએ પ્રદર્શન ગ્રાઉન્ડમાં બનાવવામાં આવી રહેલા ડોમ અને સ્ટેજ નિરીક્ષણ કર્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી ઈન્દીરા રોડ પર આવેલી સયાજી હોટેલમાં મોડીરાત સુધી રોકાયા હતાં. તે દરમિયાન તેઓએ કેબિનેટ મંત્રીઓ રાઘવજી પટેલ અને મુળુભાઇ બેરા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા ઉપરાંત જિલ્લા અને શહેર બીજેપી અધ્યક્ષ રમેશ મુંગરા અને વિમલ કગથરા સાથે વડાપ્રધાનની જામનગર મુલાકાત સંબંધે અને આગામી લોકસભા ચૂંટણીઓ સંબંધે વાતચીત કરી હતી. આ ઉપરાંત રાજ્ય સભાના સાંસદ અને રિલાયન્સના કોર્પોરેટ અફેર્સના ડીરેક્ટર પરિમલ નથવાણી સાથે પણ હોટેલમાં બેઠક યોજી હતી. આ ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રીએ ભાજપના લોકસભા ઉમેદવાર-સાંસદ પૂનમબેનની પણ મુલાકાત કરી હતી.