National

1 હજારથી વધારે લોકોનું રેસ્ક્યૂ કરાયું, 3 હજારથી વધારે લોકોને રિહેબ સેન્ટર મોકલાયા

કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 165 પર પહોંચી ગયો છે. 131 લોકો હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 220થી વધુ લોકો ગુમ છે. સોમવારે મોડી રાત્રે મુંડક્કાઈ, ચુરામાલા, અટ્ટમાલા અને નૂલપ્પુઝા ગામમાં ભૂસ્ખલન થયું હતું. મકાન, પુલ, રસ્તા અને વાહનો ધોવાઈ ગયા હતા.

અકસ્માત બાદ ગામ નદી જેવું લાગતું હતું. દરેક જગ્યાએ પાણી, કાદવ અને કાટમાળ હતો.

આર્મી, એરફોર્સ, SDRF અને NDRFની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્યમાં લાગેલી છે. મોડી રાત સુધી 1 હજાર લોકોને બચાવી લેવાયા, 3 હજાર લોકોને રિહેબ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.

ઘણા લોકોને હેલિકોપ્ટરમાં સલામત સ્થળે મોકલવામાં આવ્યા હતા.

આજે બચાવનો બીજો દિવસ છે. હવામાન વિભાગે આજે પણ વાયનાડ સહિત 5 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી શકે છે.

બુધવારે હવામાન વિભાગે વાયનાડ, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ કન્નુર અને કસરાગોડ જિલ્લા સહિત 5 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે એર્નાકુલમ, ઇડુક્કી, થ્રિસુર અને પલક્કડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

શાળા-કોલેજો બંધ, યુનિવર્સિટીની પરીક્ષાઓ મોકૂફ

દુર્ઘટના બાદ રાજ્યમાં બે દિવસના રાજ્ય શોકની જાહેરાત કરવામાં આવી છે. 30 જુલાઈએ 12 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. કેરળ યુનિવર્સિટીએ 30 અને 31 જુલાઈના રોજ યોજાનારી તમામ પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે. નવી તારીખો પછીથી જાહેર કરવામાં આવશે.

રેસ્ક્યુ ટીમ અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે લઈ ગઈ હતી.